Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

જુના ફ્રીજની આડમાં દારૂ ઘુસાડવા કિમીયો : વાંકાનેર બાઉન્‍ડ્રી પાસેથી ૩૬ લાખનો દારૂ જપ્‍ત

મોરબી - વાંકાનેર તા. ૩૧ : વાંકાનેર બાઉન્‍ડ્રી નજીકથી આર આર સેલની ટીમે દારૂ ભરેલો આખો ટ્રક ઝડપી લીધો છે અને ગાંધીના ગુજરાતમાં જયાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને આખા ટ્રક ભરીને દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે જોકે રેંજની ટીમે બાતમીને આધારે મસમોટો મુદામાલ ઝડપી લીધો છે.

મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્‍ડ્રીથી વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોય જેથી રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની સુચનાથી આર આર સેલ ટીમનાં પીએસઆઈ એમ પી વાળા, રામભાઈ મઢ, રસિકભાઈ પટેલ, કૌશિકભાઈ મણવર, સંતોષભાઈ, સુરેશભાઈ હુંબલ, શિવરાજભાઇ ખાચર સહિતની ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી હતી અને હરિયાણાથી દારૂ ભરીને આવતા કર્ણાટક પાસીંગ ટ્રક નં. કેએ-૫૨- ૯૭૨૬ને આંતરી તલાશી લેતા ફ્રીજની આડમાં છુપાવેલો ૧૦૦૦ પેટી દારૂ અંદાજે ૧૨૦૦૦ બોટલ દારૂ કીમત ૩૬ લાખ અને ટ્રક સહીત ૪૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ચાલક મહેન્‍દ્ર યાદવ રહે મૂળ યુપી હાલ મુંબઈ વાળાની અટકાયત કરવામાં આવી છે

બુટલેગરો બેફામ બની ગયા છે અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવાના નીતનવા કીમિયા અજમાવતા રહેતા હોય છે. જેમાં આ દારૂનો જથ્‍થો જુના ફ્રીજની આડમાં ઘુસાડવાની પેરવી કરતા હતા જોકે આર આર સેલની ટીમે દારૂ ભરેલ આખો ટ્રક ઝડપી લીધો છે.

દારૂ ભરેલ ટ્રક ઝડપી લઈને આર આર સેલ ટીમે મુદામાલની ગણતરીઓ માંડી હતી તેમજ ચાલકને ઝડપી લઈને પૂછપરછ ચલાવી હતી. જેમાં દારૂનો જથ્‍થો પોરબંદર તરફ જતો હોવાની કબુલાત આપી હોવાનું સુત્રો જણાવે છે. જોકે દારૂનો જથ્‍થો મોકલનાર કોણ અને મંગાવનાર કોણ છે તે નામો ખુલ્‍યા નથી.

 

(11:09 am IST)