Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

પોરબંદર જિલ્લામાં જળસંચય અભિયાન

પોરબંદર તા. ૩૧ : પોરબંદર જિલ્લામાં તા.૧૫ ફેબ્રુઆરીથી જળસંચય અભિયાન શરૂ કરવામાં આવશે. રાજય સરકાર ૧૫ ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાતમાં જળસંચય અભિયાનનો પ્રારંભ કરી રહી છે, તેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં આ અભિયાન શરૂ કરાશે.

જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં તેમણે જળસંચયના કામો માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા સિંચાઇ વિભાગના સત્તાવાળાઓને સુચનાઓ આપી હતી. માસ્ટર પ્લાનમાં મહત્ત્।મ જળસંગ્રહ થઇ શકે તેવા કામોનો સમાવેશ કરવા જિલ્લા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.

જળસંચયના કામોમાં સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓનો સહયોગ લેવા સાથે વરસાદના ટીપે-ટીપા પાણીનો સંગ્રહ થાય તેની કાળજી લેવા જિલ્લા કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યુ હતું. નવા તળાવ નિર્માણ કરવા, ચેકડેમ બનાવવા સાથે ચેકડેમ રીપેરીંગ કરવા સહિતની બાબતોનો માસ્ટર પ્લાનમાં સમાવેશ કરી લોકોને સાથે લઇ જળસંચયના કામો હાથ ધરવા જણાવાયું હતું.

જળસંચયના કામોમાં અધિકારીઓને પ્રો-એકટીવ રહેવા સાથે ખેડુતોને માટી લઇ જવા સહિતની મંજુરી આપવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ હતું. આ બેઠકમાં અધિક કલેકટરશ્રી એમ.એચ.જોષી, પ્રાંત અધિકારી કે.વી.બાટી, શ્રી પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજય ચૌહાણ, કાર્યપાલક ઇજનેરશ્રી વલગોતર શ્રી રાઠોડ પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેરશ્રી ચનીયારા, નગરપાલીકાના ચીફ ઓફીસર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી તેમના વિભાગ દ્વારા હાથ ધરાનાર કામોની વિગતો આપી હતી. (૨૧.૧૧)

 

(10:36 am IST)