Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

પ્રભાસપાટણ : જિલ્લા સંપર્ક કેન્‍દ્ર હેલ્‍પ લાઇન નંબર ૧૯૫૦ ડાયલ કરવાથી મતદાન નોંધણી વિશે જાણકારી મળી શકશે

ગીર-સોમનાથ તા. ૩૧ : ભારતિય ચૂંટણી પંચ દ્વારા વર્ષ-૨૦૧૯ને ‘કોઇ પણ મતદાર રહી ન જાય' (No Voter to be Left Behind ) જાહેર કરેલ છે. આ સંદર્ભે મતદાર તરીકે લાયકાત ધરાવતા કોઇપણ નાગરિક મતદાર નોંધણી માટે બાકી રહી ના જાય તે ખુબ આવશ્‍યક છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ કાર્યક્રમ ‘વોટર વેરીફીકેશન એન્‍ડ ઇન્‍ફોર્મેશન પ્રોગ્રામ (vvip)'નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાએ વેરાવળ ખાતે જિલ્લા સંપર્ક કેન્‍દ્ર કાર્યરત કરી ટોલ ફ્રી વોટર હેલ્‍પલાઇન નંબર ૧૯૫૦ તા. ૧ ફેબ્રુઆરી થી શરૂ થશે.

જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે આજે ઇણાજ સેવા સદન ખાતે રાજકીય પક્ષનાં હોદ્દેદારો, પ્રેસ પ્રતિનિધીશ્રીઓ સાથે યોજાયેલ બેઠકમાં આ અંગે વધુમાં જણાવ્‍યું હતું કે, ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર મતદારો મતદાન નોંધણી, મતદાન મથક, ચૂંટણી પ્રક્રીયા, ઇવીએમ, મતદાન નોંધણી ફોર્મસ, મતદાર નોંધણી અધિકારી વિશે જાણકારી ઉપરાંત કોઇ સુચન કે ફરિયાદ હોય તો પણ ટોલ ફ્રી નંબર પર જણાવી શકાશે. આ નંબર ૧૯૫૦ ઓફીસ સમય દરમ્‍યાન જાહેર રજાઓ સિવાય ૧૦.૩૦ થી સાંજનાં ૬.૧૦ કલાક સુધી કાર્યરત રહેશે.

આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિનોદ પ્રજાપતિએ જણાવ્‍યું કે, તા. ૩૧ ડિસેમ્‍બર નાં રોજ મતદાર યાદી પ્રસિધ્‍ધ કરવામાં આવશે. જેમાં તા. ૧-૯-૧૮ની મતદાર યાદી કરતા ૧૩૫૨૫ મતદારોનો વધારો થયો છે. ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્રનાં પ્રયાસો મુજબ જિલ્લામાં એક પણ લાયક મતદારનું નામ મતદાર યાદીથી બાકાત ના રહે તેની પુરતી કાળજી લીધી છે.

જિલ્લામાં મતદારો સાથે ચૂંટણીમાં મતદાનમાં પણ વધારો થાય તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.આ ચૂંટણીમાં એમ-૩ લેટેસ્‍ટ ટેકનોલોજી સાથેના નવા ઇવીએમ મશીન ઉપયોગમાં લેવાશે. આ મશીનો માટે પણ મતદારો સાથે રાજકીય પક્ષોને પણ સતત માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાં વસ્‍તીના પ્રમાણમાં ૬૪ ટકા મતદારો છે. તેમ શ્રી પ્રજાપતિએ વધુમાં જણાવ્‍યું હતું. આ બેઠકમાં સીસ્‍ટમ સુપરવાઇઝરશ્રી મનન ઠુંમર, ચૂટણી શાખના નાયબ મામલતદાર દેસાઇ, પ્રજાપતી અને શ્રી આર.જે.પુરાણી ઉપસ્‍થિત રહયા હતા.

(10:05 am IST)