Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જુનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા જાન્યુઆરીમાં ત્રણ રકતદાન કેમ્પ યોજાશે

જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તૈયારી : વિસાવદર, માળીયા-હાટીના, મેંદરડામાં કેમ્પ

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ,તા.૩૦ : જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ શિક્ષણ પરિવાર દ્વારા શિક્ષણ સચિવ વિનોદરાવની પ્રેરણાથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર એસ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આગામી જાન્યુઆરી માસમાં ત્રણ રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે.

ઉપાધ્યાયએ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સાડાત્રણ માસના ટુંકા ગાળામાં શિક્ષણ જગતમાં જૂનાગઢ જિલ્લાને અગ્રીમ હરોળમાં લાવી દીધો છે. અને ગુજરાત વર્ચ્યુઅલ શાળા દ્વારા લેવાયેલી પરિક્ષામાં સૌથી વધુ સોરઠના વિદ્યાર્થીએ ભાગ લઇ રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લો પ્રથમ આવેલ જેની પાછળનું કારણ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ ઉપાધ્યાયની શાળા ઓને  સતત સુચના અને માર્ગદર્શન રહ્યું હતું.

શિક્ષણ જગતના પ્રશ્નો ઉકેલવામાં ચલો તાલુકે કાર્યક્રમ યોજી વિવિધ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવનાર કદાચ આ જિલ્લાના પ્રથમ શિક્ષણાધિકારી ઉપાધ્યાય હોય તેવુ શિક્ષણ જગતમાં ચર્ચાઇ રહ્યું છે. તેઓ માનવસેવાના ભેખધારી હોય તેમ ફરજની સાથે સાથે સમાજ સેવામાં પણ સહભાગી થઇ રહ્યા છે. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કોરોનાના કપરા કાળમાં પણ સતત પાંચ રકતદાન કેમ્પ સફળતા પુર્વક સંપન્ન થયેલ અને આગામી જાન્યુઆરી માસમાં તા. ૬ જાન્યુઆરીને બુધવારના રોજ ૬ઠ્ઠો રકતદાન કેમ્પ શ્રી સ્વામીનારાયણ હાઇસ્કૂલ વિસાવદર તેમજ તા. ૮ જાન્યુઆરીને શુક્રવારના રોજ ૭મો રકતદાન કેમ્પ શ્રી ચાણ્કય પબ્લિક સ્કૂલ માળીયા હાટીના ખાતે તેમજ તા.૧૨ જાન્યુઆરીને મંગળવારના રોજ ૮મો રકતદાન કેમ્પ જીપી હાઇસ્કૂલ મેંદરડા ખાતે યોજાનાર છે. જેમાં શિક્ષણ પરિવારના સૌ લોકોએ સ્વેચ્છીક રકતદાન કરવા શ્રી આર એસ ઉપાધ્યાયે અપીલ કરી છે.

 

(1:28 pm IST)