Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ખીચા ગામે લગ્ન થયા બાદ મામાના ઘરે જુનાગઢ આવ્યા ત્યાં જ લુંટેરી દુલ્હન બાઇક ઉપર નાસી છુટી!

૨ લાખ ૩૦ હજારની રોકડમાં ઘડીયા લગ્ન કર્યાની ધારી પંથકની ઘટનામાં છેતરપીંડી ખુલીઃ ચકચાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૩૦:    ધારી તાલુકાના ખીચા ગામે છેક મહેસાણા જિલ્લામાંથી છોકરી જોવા આવેલા અને સવા બે લાખ જેવી માતબર રકમ આપીને  ફુલહાર કરી  ઘડીયા લગ્ન કરનાર પટેલ યુવાન પરણીતાનેલઇને ઘેર પહોંચે તે પહેલા જ રસ્તામાંથી મોબાઇલમાંવાત કરતા કરતા નવીનવેલી  દુલ્હન કોઈની બાઇક પાછળ બેસી ફરાર થઇ ગયાની ચોકાવનારી પોલીસ ફરિયાદ ધારી પોલીસ મથકમાં નોંધાવવા પામી છે.    

આ ચોંકાવનારા બનાવની વિગતો એવા પ્રકારની છે કે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામના ખેડુત યુવાન પ્રદિપ  ભલાભાઇ પટેલ માટે જુનાગઢ રહેતા તેમના મામા અને મામીએ ઠેકાણા જોવાનું શરૂ કરેલ હોય તેના મામા મામીને ખીચા ગામના હરેશ ભનુ  ગજેરા નામના શખ્સે પુનમ  નામની છોકરીનો ફોટો મોકલતા પ્રદિપને ખીચા બોલાવવામાં આવ્યો હતો પ્રદિપ અને તેના મામા મામી ખીચા  પહોચ્યાં ત્યારે  હરેશે યુવતી પુનમ જયંતીભાઇ કોળી તના માતા રેખા જયંતીભાઇ કોળી અને ભાઈ દિનેશ જયંતીભાઈ કોળી બોટાદનો રાજુ  નામનો શખ્સની ઓળખાણ કરાવી હતી અને પુનમને બતાવી તેની સાથે વાત કરવાનું કહેલ.

પુનમ સાથે વાત કરી પ્રદિપ લગ્નની ઇચ્છા બતાવતા પુનમના ભાઇ દિનેશે લગ્ન માટે બે લાખને ત્રીસ હજારની રકમ માંગતા  લગ્ન કરવા માટે પ્રદિપે બે લાખને ત્રીસ હજાર સ્થળ ઉપર જ રોકડા ગણી દીધા હતા અને ત્યાંને ત્યાં જ ઘર મેળે ઘડિયા લગ્ન લેવાયા હતા.  એકબીજાને ફુલહાર કરી પુનમ અને પ્રદિપ પતિ પત્ની બન્યા હતા તારીખ ૧૭ ડિસેમ્બરના આ ઘટના બની હતી જેને પ્રદિપ કયારેય નહી  ભુલે ખીચા ગામે લગ્ન કરી ચાર વાગ્યે તે જુનાગઢ મામા મામીને ત્યાં નવી દુલ્હન પુનમને લઇને પહોચ્યો હતો અને ત્યાં રોકાયો હતો  હજુ  તો જુનાગઢ પહોંચ્યો અને મામાના  ઘરમાં ગયો કે સાંજે સાતેક વાગ્યે તેના સાળા દિનેશનો ફોન આવ્યો હતો કે મારી બહેનને પુનમને ફોન  આપો મારા મમ્મીને વાત કરવી છે આથી પ્રદિપે પોતાનો ફોન પુનમને આપ્યો હતો.

ફોનમાં વાત કરતા કરતા પુનમ અચાનક ઘરની બહાર દોડી હતી અને બહાર ઉભેલ એકબાઇક ઉપર બેસી ગઇ હતી અને બાઇક  સવાર પુનમને લઇને ગોળીની જેમ નાશી છુટયો હતો આથી પ્રદિપે તેનો પીછો કર્યો હતો પરંતુ નવી નવેલી દુલ્હનને લઇને ભાગેલો બાઇક  સવાર વધુ તેજ નીકળ્યો તે હાથમાં આવેલ નહી. આથી વચ્ચે રહેલા હરેશ ગજેરાને પ્રદિપે ફોન કરતા તેણે કહેલ કે તમારા પૈસા સલામત છે  હવે પુનમને ભુલી જાજો પણ પ્રદિપને પૈસા કે પુનમ કઇ પણ ન મળતા ખીચાના હરેશ ભનુ ગજેરા, બોટાદના રાજુ અને રાજકોટના કાલાવાડ  રોડ ઉપર ખોડીયારનગરમાં પુનમ જયંતી કોળી, રેખા જયંતી કોળી અને દિનેશ જયંતી કોળી સામે ધારી પોલીસમાં પુર્વઆયોજીત કાવતરૂ  કરી પોતાની સાથે છેતરપીંડી કરી હોવાની પ્રદિપે ફરિયાદ નોંધાવતા ધારીના પીએસઆઈ શ્રી એન.એ.વાઘેલાએ  આ લુટેરી દુલ્હન સહિત  પાંચ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

(1:21 pm IST)