Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ભાવનગરમાં માસુમ સગીરા સાથે શારીરિક અડપલા કરનાર આરોપીને ૩ વર્ષની સજા ફરમાવતી સ્પે. કોર્ટ

ભાવનગર તા.૩૦ :.. આશરે અઢી વર્ષ પૂર્વે અહીની એક સાત વર્ષ અને છ માસની સગીરા સાથે શારીરિક અડપલા અને જાતીય શોષણ કરનાર આરોપી સામે પોસ્કો સહિતનો ગુન્હો દાખલ થયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ પોસ્કો અદાલતમાં ચાલી જતા, અદાલતે આરોપી સામે ગુન્હો સાબીત માની ત્રણ વર્ષની સખ્ત કેદ અને રોકડા રૂપિયા પાંચ હજારનો દંડ કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આ કામનાં ફરીયાદી માતાની સગીર વયની ભોગ બનનાર દિકરી (ઉ.૭ વર્ષ અને ૬ માસ) ને તેણી સગીર વયની હોવાનું જાણવા છતા ગત તા. ર૦-૪-ર૦૧૮ ના રોજ રાત્રીના સુમારે આ કામનો આરોપી સંદીપ પ્રભુદાસ પરમાર (ઉ.૩ર) રહે. સ્વપ્ન સાકાર સોસાયટી, આખલોલ જકાતનાકા પાસે, ભાવનગર) નામના આરોપીએ ટોયેટો શો-રૂમ પાછળ વાહન પાર્કીંગના સ્થળે ફોર-વ્હીલ કારમાં પીકચર જોવાની લાલચ આપી, બળજબરીથી  બેસાડી, ફોર-વ્હીલની અંદર આવેલ એલ. ઇ. ડી. ડીસપ્લે ઉપર પીકચર ચાલુ કરી, ભોગ બનનાર પીકચર જોતી હતી, તે વેળાએ આરોપીએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરી, શારીરિક અડપલા કરી, જાતીય હૂમલો કરી, ભારતીય દંડ સહિતાની કલમ ૩પ૪-એ તથા પોસ્કો એકટની કલમ ૮ મુજબનો શિક્ષાપાત્ર ગુન્હો કર્યો હોવાની ભોગ બનનારની માતાએ સ્થાનીક બોરતળાવ પો. સ્ટે. માં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી  સામે ઇ. પી. કો. કલમ ૩પ૪ (એ) અને પોસ્કો મુજબનો ગુન્હો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરનાં સ્પે. જજ પોસ્કો અને એડી. સેશન્સ જજ ઝેઙ વી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતકુમાર વોરાની દલીલો, મૌખીક પુરાવા, દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને લઇ આરોપી સંદીપ પ્રભુદાસ પરમા સામે ઇ.પી. કો.  કલમ-૩પ૪ (એ) તથા ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ-ર૦૧રની કલમ-૮ (પોસ્કો) મુજબના ગુન્હાના કામે આરોપીને તકસીરવાર ઠરાવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ તથા જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા અદાલતે ફરમાવી હતી.

(11:51 am IST)