Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કચ્છમાં વધુ ર૩ કેસઃ મોરબીમાં ગતિ મંદ પડી માત્ર ત્રણ કેસઃ ભાવનગર જીલ્લામાં ૭ પોઝીટીવ!

ગોંડલ શહેર તાલુકામાં પાંચ સ્થળે કોરોના વેકસીન ડ્રાયરન સફળતાપૂર્વક સંપન્ન

રાજકોટ તા. ૩૦ :.. કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં ર૩, ભાવનગરમાં ૭ કેસ નોંધાયા  છે  તો મોરબીમાં ગતિ મંદ પડી હોય તેમ માત્ર ત્રણ કેસ નોંધાવા પામ્યા છે.

કચ્છમાં આંકડો ૪૦૦૦ નજીક

ભુજઃ કચ્છ જિલ્લામાં કોરોનાના રસીકરણની થઈ રહેલ તૈયારીઓ વચ્ચે દર્દીઓ વધી રહ્યા છે. નવા ૨૩ કેસ અને એકિટવ ૨૨૯ દર્દીઓ સાથે કુલ દર્દીઓનો આંકડો ૪ હજારની નજીક ૩૯૮૧ ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંકડો ૩૬૨૮ છે. જયારે મૃત્યુ પામનારા ૮૧ છે.

આઠ દર્દી સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોના કહેર પર બ્રેક લાગી હોય અને કેસોનો આંક સતત ઘટી રહ્યો છે જેમાં કોરોનાના ત્રણ તાલુકામાં એક એક મળીને માત્ર ૦૩ નવા કેસો નોંધાયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાનો ૦૧ કેસ શહેરી વિસ્તાર અને ટંકારા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને માત્ર ૦૩ નવા કેસો નોંધાયા છે તો વધુ ૦૮ દર્દી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૦૯૯ થયો છે જેમાં ૯૧ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૨૮૦૧ દર્દી સ્વસ્થ થયા છે 

ભાવનગરમાં પ૮ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર : જિલ્લામા વધુ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૨૪ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૭ પુરૂષ મળી કુલ ૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૧ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૮૨૪ કેસ પૈકી હાલ ૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૬૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

ડ્રાય રનમાં સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓની પસંદગી

ગોંડલઃ કોરોનાને માત આપવા સરકાર અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે ગોંડલ શહેર અને તાલુકામાં પાંચ જગ્યાએ કોરોના વેકિસન ડ્રાય રનનું આયોજન થવા પામ્યું હતું.

સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકિસનને લઇ દેશભરમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હોય જેના ભાગરૂપે ગોંડલ શહેરના સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર , શ્રી રામ સાર્વજનિ હોસ્પિટલ, ભગવતપરા શાળા નં - ૫ તેમજ તાલુકામાં મોવિયા તેમજ ગોમટા ડ્રાય રન યોજાયો હતો જેમાં ૨૫ - ૨૫ લોકોને મેસેજ કરી બોલાવાયા હતા.

ડ્રાય રન સિલેકટ લોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ તેમનું આઈડી પ્રુફ તેમજ મોબાઈલમાં આવેલ મેસેજ ચેક કરવામાં આવ્યા હતા, વેઇટિંગ રૂમમાં થોડીવાર બેસાડી વેકસિન રૂમમાં લઇ જવામાં આવ્યા હતા, જયાં વેકસિન આપ્યા સિવાયની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોકત તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને વેકિસન અપાયા બાદ લાભાર્થીને ૩૦ મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયામાં એક વ્યકિતને ૩૫ થી ૪૦ મિનિટ નો સમય લાગ્યો હતો. આ ડ્રાય રનમાં જીલ્લા આરોગ્યઓફિસર ડો.મિતેષ ભંડેરી, એકેડેમિક મેડિકલઓફિસર ડો.નિલેશ રાઠોડ સહિતના આરોગ્ય અધોકારીઓ આ ડ્રાય રન ચેકીંગ આવ્યા હતા.જેમાં વેકસિન સ્થળ તેમજ વેકસિન લાભાર્થીઓને વેકસિન અંગે અપાતી માહિતી, સોફટવેરમાં થતી તમામ એન્ટ્રીનું ચેકીંગ હાથ ધરાયુ હતું.

ડો.જી.પી. ગોયેલ આરોગ્ય અધિકારી ગોંડલ અર્બન હેલ્થ,નીરવ વ્યાસ કોરોના સુપરવાઈઝરે નિરીક્ષણ કર્યું હતું.

(11:49 am IST)