Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કચ્છમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવો : ખંભાળિયાના ટ્રક ડ્રાઇવર સહિત બે બાઇક ચાલકના મોત

ટ્રક ઝાડીમાં ઘુસી ગયેલ : બાઇક પાછળ ટ્રેલર ભટકાયું : પૂરપાટ જતી બાઇક સ્લીપ થઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : માર્ગ અકસ્માતના બનાવોની વણથંભી વણઝાર વચ્ચે કચ્છમાં ત્રણ અલગ અલગ બનાવોમાં ત્રણ માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. ભુજ નખત્રાણા હાઇવે ઉપર પુંઅરેશ્વર પાસે ટ્રક ઝાડીઓમાં ઘુસી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં ઘટના સ્થળે જામનગર પાસિંગની ટ્રકમાં ચાલક બેભાન અવસ્થામાં જોવા મળતાં ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ટ્રક ચાલક પાસેથી મળેલા ડ્રાઈવિંગ લાયસન્સના આધારે તેનું નામ માલદે ભીમાભાઇ પરમાર (ઉ. ૨૬), રહે. ખંભાળિયા જામનગર હોવાનું જાણવા મળ્યું હતું.

બીજા બનાવમાં મુન્દ્રા નજીક ધ્રબ ગામ પાસે હોન્ડા બાઈકને ટ્રેલર ચાલકે ટક્કર મારતાં બાઈકની પાછળ બેઠેલ ૨૦ વર્ષીય અમિત અનિલ પાલ પડી ગયો હતો. તેની ઉપર ટ્રેલરના તોતિંગ વ્હીલ ફરી વળતાં અરેરાટી ભર્યું મોત નિપજયું હતું. બાઈકચાલક રામદીપસિંગે આ મામલે ટ્રેલર ચાલક વિરુદ્ઘ ફરિયાદ લખાવી છે.

ત્રીજા બનાવમાં અંજારના વીડી ગામ પાસે પોતાને ઘેર આવી રહેલા બાઈકચાલક ભરત પાંચા પરમાર (ઉ.૩૪) ની બાઈક સ્લીપ થતાં માથામાં થયેલ ગંભીર ઈજાઓ થઈ હતી. હતભાગી બાઈક ચાલકનું વધુ સારવાર મળે તે પહેલાં જ મોત નિપજયું હતું.

(11:29 am IST)