Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

ચમારડીની ગુફામાં ભુંસાઇ રહ્યા છે ચિત્રો અને વિસરાઇ રહી છે વિરાસત.....

ઇશ્વરીયા તા.૩૦ : અવનવા ઉપક્રમો અને ઇમારતો માટે સરકાર અને સમાજ સૌ ભારે ઉત્સાહમાં હોઇએ છીએ પરંતુ આપણી પાસે આપણા ગામના પાદરમાં કે નજીકના ડુંગપરા પર રહેલી આપણી વિરાસત પર આપણી દ્રષ્ટિ નથી. આવુ કેમ હશે ? ગોહિલવાડના ગૌરવસમી ગુફા કે જે ચમારડી ગામે આવેલી છે પરંતુ કોઇને કશી પડી નથી.

ભાવનગર અને વલભીપુર વચ્ચેના માર્ગ પર જતા આ ગામ ચમારડી આવેલ છે. ઐતિહાસિક ધરોહર સમાન ચમારડી ગામના ડુંગરાઓની હાર વચ્ચે વસેલુ છે. આ ડુંગરાઓ આસપાસ નાની મોટી ઐતિહાસિક અને ધાર્મિક વાતો તથા વાર્તાઓ રહેલી છે. ગઇકાલના આપણા વડવાઓ અને રજવાડાઓએ લીધેલા નિર્ણયોની વાતો આ ગામે સાંભળવા મળે છે.

ચમારડીની આ ટેકરીઓ પર ચડીએ તો આસપાસ રમણીય દૃશ્યો જોવા જાણવા અને માણવા મળે છે પરંતુ દુર્ભાગ્યે આપણી પાસે સમય નથી અને આપણને રસ પણ નથી.

ચમારડીમાં ડુંગર ટેકરીઓમાં અત્યારે એક ગુફામાં ચિત્રો જોવા મળે છે. સંશોધન થાય તો અન્ય ગુફાઓ પણ અહી મળી શકે એવો અંદાજ છે. ભાવનગરના ચિત્રકાર સંશોધનકાર રાજુભાઇ પારેખે આ ગુફાના સંશોધન માટે તથા તેની જાળવણી માટે ખૂબ માથા કૂટયા છે. એક પછી એક પ-૬ જેટલા મુખ્યમંત્રીઓને રજૂઆત કરી ચુકયા છે ઇતિહાસ માટે રસ ધરાવતા રાજુ પારેખ જિલ્લાના ઘણા અધિકારીઓને મળી ચુકયા છે પરંતુ ચમારડીની આ ગુફામાં આમને આમ જ ચિત્રો ભુસાઇ રહ્યા છે.

આ ગુફામાં અત્યારે વહાણના ચિત્રો દેખાઇ રહ્યા છે. આ ચિત્રો આસપાસની જગ્યાના કોઇએ સ્વાભાવિક જ લીટા ટપકા કર્યા છે પણ શુ થાય ? કોઇ જાળવણી જ નથી બધુ થવાનુ ! આ ચિત્રો ૩ કે ૪ હજાર વર્ષ જૂના છે આટલા વર્ષોની આ વિરાસત હવે વિસરાઇ રહી છે.

ઇતિહાસ અને સંસ્કૃતિ કે વિરાસતની પડી ન હોય તે સમાજની અવદશા થતી હોય છે તેમ સૌ કહીએ છીએ, જાણીએ છીએ પણ કશુ કરતા નથી. ઠીક છે કાંટા ઝાંખરા વચ્ચે એકવાર ચિત્રો જોવા તો જજો જ !

(11:47 am IST)