Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના બેઠક મતદાન માટે ચૂંટણી ફરજ પરનો સ્ટાફ EVM સહિતની સામગ્રી સાથે મતદાન મથક પર જવા રવાના : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજે મતદાન મથક પર રવાના થતા પોલિંગ સ્ટાફને ગુલાબનું ફૂલ આપી ઉત્સાહ વધાર્યો

લગ્નોઉત્સવમાં સામેલ થયા પહેલાં અચૂક મતદાન કરવા માટે અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૩૦   :   જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર મતદનાન પ્રક્રિયા હાથ ધરવા માટે પોલિંગ સ્ટાફ EVM સહિતની જરૂરી સ્ટેશનરી સામગ્રી સાથે મતદાન મથક પર જવા રવાના થયો હતોં.

જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતેના રિસીવીંગ - ડિસ્પેચિંગ સેન્ટર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રચિત રાજે પોલિગ સ્ટાફને ગુલાબનું ફૂલ આપી, સુચારૂ મતદાન પ્રક્રિયા માટે શુભેચ્છાઓ પાઠવી, તેમનો ઉત્સાહ વાધાર્યો હતોં. આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રિસાઇન્ડિંગ ઓફિસર સાથે  સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદાન મથક પર રવાના થઈ રહેલી બસામાં જઈ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રચિત રાજે જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લા પાંચ વિધાનસભા બેઠકોના ૧૩૪૭ મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. આજે રિસીવીંગ - ડિસ્પેસીંગ સેન્ટર ખાતેથી પોલિંગ સ્ટાફ EVM સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી લઇને મતદાન મથક પર જવા રવાના થયો છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યુ કે, જિલ્લાના પાંચ વિધાનસભા મતક્ષેત્રોમાં એક-એક હેલ્થબૂથ અને એનિમલ હેલ્થ બૂથ ઉભા કરવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં આ પ્રકારે પહેલ કરવાનું ગૌરવ જૂનાગઢ જિલ્લાને પ્રાપ્ત થયુ છે. હેલ્થ બૂથ ઉપર લોકો મતદાન કરવાની સાથે પોતાના આરોગ્યની તપાસણી કરાવી શકશે. એનિમલ હેલ્થ બૂથ પર લોકો પોતાના પાલતુ પ્રાણીઓની સારવારની સહિતની આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉપરાંત જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત સખી, તેવી જ રીતે યુવા અને દિવ્યાંગો સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ ઉભુ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર લગ્નોત્સવમાં સામેલ થયા પેહલાં મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા માટે શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રચિત રાજે અપીલ કરી છે.

(4:23 pm IST)