Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પોરબંદર - છાંયા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા ચૂંટણી આચાર સંહિતાનો ભંગ

ચૂંટણી પ્રચાર બંધ થઇ ગયા બાદ સફાઇ કામદારોની બેઠક બોલાવ્યાની જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ : નગરપાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયા અને ચીફ ઓફિસર મનન ચતુર્વેદી બન્નેએ ચૂંટણી પ્રચાર બંધ થઇ ગયા બાદ સફાઇ કામદારોની બેઠક બોલાવીને બેઠકમાં ભાજપમાં મતદાન કરવાનું કહીને વિધાનસભા ચૂંટણી આચારસંહિતા ભંગ કર્યાની જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ ફરિયાદ કરી છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ જિલ્લા ચૂંટણી અધિકારીને કરેલી ફરિયાદ અરજીમાં જણાવેલ કે, પોરબંદર વિધાનસભાની બેઠક ઉપર ૧ ડીસેમ્બરે યોજાનાર મતદાન પહેલા સાંજે ૫ કલાકે ચુંટણી પ્રચાર બંધ થઈ ગયેલ, તેમ છતાં પોરબંદર-છાયા નગર પાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા અને ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા સાંજે ૬ કલાકે સફાઈ કામદારોની બેઠક બોલાવી આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. સાથે  સફાઈ કામદારોને ભાજપના પક્ષમાં મતદાન કરવા દબાણ કરવામાં આવ્યુ છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવારની હાર નિશ્ચિત જણાતા મતદારોને ધમકાવી ભાજપના પક્ષમાં મતદાન કરવા ફરજ પાડી રહ્યા છે. જે સંદર્ભમાં પોરબંદર-છાયા નગર પાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા અને ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા સાંજે સફાઈ કામદારોની બેઠક બોલાવી હોવાની માહિતી મળતા જ જિલ્લા ચુંટણી અધિકારીને અરજી કરીને આ બેઠક રોકવા માંગ કરવામાં આવી હતી. જો કે જિલ્લા ચુંટણી અધિકારી જાણે આંખ આડા કાન કરીને બેઠા હોય તેમ કોઈ પગલા લેવામાં આવ્યા નહી અને બેઠક તેના નિર્ધારીત સમયે યોજવામાં આવી હતી. બેઠકમાં સફાઈ કામદારોને નોકરી ઉપરથી કાઢી મુકવાની ધમકી આપીને ભાજપમાં મત આપવા દબાણ કરવામાં આવ્યુ છે.

(2:43 pm IST)