Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જામનગર મારા માટે વિશેષ, મારો જીલ્લો પણ છે અને ખંભાળીયાનો વતની પણ છું એટલે મારે અહી ધ્‍યાન આપવુ જોઇએઃ પરિમલભાઇ નથવાણી

જામનગરમાં રઘુવંશી સમાજનું સ્‍નેહમિલન યોજાયુઃ ધનરાજ નથવાણી, જીતુભાઇ લાલ, નટુભાઇ બદિયાણી, મનોજભાઇ અનડકટ સહિતનાની ઉપસ્‍થિતી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૩૦: એક તરફ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનના પ્રચાર પડધમ શાંત થયા છે તે પૂર્વે જામનગરમાં રઘુવંશી સમાજનું સ્‍નેહમિલન યોજાયું હતું.

જામનગરમાં રઘુવંશી સમાજના સ્‍નેહમિલન નું આયોજન કરવામાં આવ્‍યું હતુ. રાજયસભાના સાંસદ અને લોહાણા સમાજના અગ્રણી તેમજ રિલાયન્‍સ પરિવારના પરિમલભાઈ નથવાણીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલા લોહાણા જ્ઞાતિના સ્‍નેહમિલન દરમિયાન આગામી ચૂંટણીને લઈને પણ ખાસ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. જામનગરમાં યોજાયેલા રઘુવંશી સ્‍નેહમિલન કાર્યક્રમમાં રિલાયન્‍સ પરિવારના ધનરાજભાઈ નથવાણી, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, નટુભાઈ બદિયાણી, બાર કાઉન્‍સિલના સભ્‍ય અને અગ્રણી ધારાશાષાી મનોજભાઈ અનડકટ સહિતના લોહાણા જ્ઞાતિના શ્રેષ્ઠિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જામનગરમાં પરિમલભાઈ નથવાણીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ રઘુવંશી સમાજના સ્‍નેહમિલનને લઈને રઘુવંશીઓમાં ચૂંટણી પહેલા ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

દરમિયાન એક અહેવાલમાં જણાવાયું છે કે, આ સંમેલનમાં શ્રી પરિમલભાઇ નથવાણીએ જણાવ્‍યું કે જ્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહ દેશનું સુકાન ચલાવે છે અને એના હાથ મજબુત કરવા માટે દરેક ઉમેદવાર નરેન્‍દ્રભાઇ મોદીનો ઉમેદવાર છે. દરેક ઉમેદવાર એ અમિતભાઇ શાહનો ઉમેદવાર છે. કોણ લડે છે.. કયાંથી લડે.. ! તે નહીં પણ આપણે નરેન્‍દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવાના છે. એના માટે બધાને અપીલ કરવાની હતી. હું સામાન્‍ય રીતે જાહેર ચૂંટણીઓમાં આવતો નથી. આ વખતે મને લાગ્‍યું કે જામનગર એ મારે માટે વિશેષ છે અને મારા જિલ્લો પણ છે. હું ખંભાળીયાનો વતની છું. એટલે મારે અહીં ધ્‍યાન આપવું જોઇએ. એ રીતે હું આવ્‍યું છુ જે રીતે સહકાર મળ્‍યો તે બદલ મારા લોહાણા સમાજનો આભારી છું. આ સંમેલનમાં શહેરના રઘુવંશી અગ્રણીઓએ પણ ઉપસ્‍થિતોને પ્રસંગોચિત સંબોધનો કર્યા હતા.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:50 pm IST)