Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

નરસિંહ મહેતાને નજરકેદ રાખવામાં આવેલા

ભકત કવિ નરસિંહ મહેતા હારમાળા જયંતિ : ભકતની કસોટી ભગવાને કરી પણ છેવટે તેમણે જ પાર પાડી

ગુજરાતના આદિ ભકત કવિશ્રી નરસિંહ મહેતા ભગવાનશ્રી કૃષ્‍ણના અનન્‍ય ભકત હતા તેમના પદો, પ્રભાતિયા, ભજનોથી સહુ કોઇ પરિચિત છે. આજથી ૬૦૦ વર્ષ પહેલા ભકત નરસિંહ મહેતાની ભકિત તથા તેમને થયેલા શ્રીકૃષ્‍ણ પરમાત્‍માના ચમત્‍કારોથી અંજાઇને તે સમયના સ્‍થાનિક લોકો તથા કેટલાક મહેતાજીની જ્ઞાતિનાજ  લોકોએ નરસિંહનો વિરોધ કર્યો આ વિરોધ તેમણે જુનાગઢના રાજા રા‘માંડલીક પાસે જઇને રજુ કર્યો. પ્રજાજનોની વાતમાં આવીને રા'માંડલીક ભકતની ભકિતની ખરાઇ તથા કસોટી કરવાનું નકકી કર્યુ. અને એવો હુકમ કર્યો કે નરસિંહ મહેતાને નજર કેદમાં રાખીને જેલમાં પુરો અને દરવાજાને તાળા લગાવો દામોદર કુંડ નજીક આવેલ દામોદરજીનાં મંદિરને તાળા મારવામાં આવ્‍યા. નરસિંહને નજર કેદ રખાયા. ત્‍યારબાદ એક હાર દામોદરજીની મૂર્તિને પહેરાવવામાં આવ્‍યો અને ભકતશ્રી નરસિંહની ભકિત સાચી હોય તો તે હાર મૂર્તિ પરથી ઉડીને નરસિંહના ગળામાં આવે તો તેજ ભકિત સાચી વળી ચઢાવેલો હાર ભગવાનને ચઢાવેલો જ હાર છે તેની ખાત્રી માટે રા'માંડલિકે પોતાની વીંટી હારના છેડે બાંધી. ત્‍યારબાદ ભકતને આખી રાત જેલમાં નજરકેદ રાખવામાં આવ્‍યા. નરસિંહ મહેતાએ આખી રાત ભજન  કીર્તન ચાલુ રાખ્‍યા

ભકતની કસોટી ભગવાને કરી પણ છેવટે તેમણે જ પાર પાડી. નરસિંહે કીર્તનો ગાવાનું ચાલુ રાખ્‍યુ પણ તેઓ રાગ કેદાર ગાઇ શકતા ન હતા કારણ તેમણે રાગ કેદાર મહાજન વણિક પાસે ગીરવે મુકયો હતો. શ્રીકૃષ્‍ણ ભકતની લાગણી સમજી અને નરસિંહ મહેતાનું રૂપ લઇને રાગ કેદારો મહાજન પાસેથી છોડાવ્‍યો અને આ માટેનો કાગળ જેલના સળીયામાંથી દરવાજા નજીક ફેંકયો. કાગળ મળતા જ  કાગળ વાંચીને નરસિંહ કેદારો ગાયો અને આથી દામોદરજી અતિ પ્રસન્ન થયા. મંદિરના તાળા આપોઆપ ખુલી ગયા.

ત્‍યારબાદ દામોદરજીના ગળામાં ચઢાવેલો પેલો હાર આપોઆપ પોતાની મેળે નરસિહના ગળામાં પહેરાવાઇ જાય છે. સવારના ચાર વાગ્‍યે આ ઘટના બને છે. રા‘માંડલીક, પ્રજાજનો જ્ઞાતિજનો બધાં જ ખુબજ આヘર્ય અને અચંબામાં પડી જાય છે ભકતની જીત થાય છે. ભકતની કસોટીમાંથી ભકત પાર ઉતરે છે. આ ઘટના બાદ રા‘માંડલીક પણ માનવા લાગે છેકે નરસિંહ ખરો ભકત છે તેની ભકિત સાચી છે. સ્‍વયં દામોદરજી જ તેમને કસોટીમાંથી પાર ઉતારે છે. ભકતની ભકિતને ધન્‍ય છે. આ પ્રસંગ માગસર સુદ સાતમના રોજ બન્‍યો હતો ત્‍યારથી આ દિવસ નરસિંહ મહેતા હારમાળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટમાં નાગર બોર્ડીગ નજીક આવેલ નરસિંહ મહેતાની મૂર્તિને સ્‍થાનિક જ્ઞાતિજનો હાર પહેરાવીને તેમની સ્‍તુતિ વંદનાનું ગાયક કરે છે. ધન્‍ય છે. નરસિંહ મહેતાને ધન્‍ય છે ભકતની ભકિતને! નાગર જ્ઞાતિના ભકત કવિ નરસિંહ મહેતાની સ્‍મૃતિમાં તેમને તથા તેમની અનન્‍ય ભકિતને ભાવભર્યા વંદન

ભરત અંજારિયા રાજકોટ મો.૯૪૨૬૪ ૧૭૮૫૪

(1:32 pm IST)