Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

શિક્ષકોમાં રોષ ચુડા પગારદાર મંડળીના ૨૦થી વધુ સભાસદે રાજીનામા ધરી દેતાં ખળભળાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૦: ચુડામાં ૬૩ વર્ષ પહેલાં શિક્ષકો દ્વારા પગારદાર નોકરોની શરાફી સહકારી મંડળીની સ્‍થાપના કરવામાં આવી હતી. મંડળીની સ્‍થાપવાનો હેતુ એ હતો કે સભાસદોને જયારે કોઈ મોટી નાણાકીય રકમની જરૂર પડે ત્‍યારે તેને ઓછાદરે લોન દ્વારા નાણા મળી રહે. ચુડા પગારદાર નોકરોની શરાફી સહકારી મંડળીમાં ૨૦૦ જેટલા સભાસદો છે. સભાસદોને મહિને અમુક ટકા નિર્ધારિત કરેલી રકમ મંડળીમાં જમા થતી હોય છે. સાથે જ શિક્ષકોના પગારમાંથી દર માસે પૈસા મંડળીમાં જમા થતાં હોય છે.

ચુડા પગારદાર નોકરોની શરાફી સહકારી મંડળીના કર્તાધર્તાઓએ શિક્ષકોના ઓક્‍ટોબર મહિનાના પગારમાંથી ફરજિયાત બચતના નામે ૫૦૦ કાપી નાખ્‍યા હતા. ૫ વર્ષ સુધી દર મહિને ૫૦૦ કપાશે જ તેવું સૂચન કરી દીધું હતું. દર મહિને રૂ.૫૦૦ કપાત નહીં કરવા શિક્ષકોએ મંડળના સત્તાધીશોને પહેલાંથી જાણ કરી હતી છતાંય રકમ કાપી નાખવામાં આવી હતી. અસંમતિ દર્શાવી હોવા છતાંય ભંડોળ ભેગું કરવાની લાલચે પગારમાંથી ૫૦૦ કાપી લેતાં શિક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્‍યો હતો.

ચુડા તાલુકાના પૂર્વ ટીપીઈઓ પ્રતાપભાઈ મકવાણા, જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ, ભરતભાઈ લીંબડીયા, ઝહિરભાઈ અબ્‍બાસભાઈ, મુળુભાઈ મામાણી સહિત ૨૦થી વધુ શિક્ષકોએ મંડળીના કર્તાધર્તાઓએ લાદેલા કાળા કાયદાના વિરોધમાં રોષે ભરાઈને રાજીનામા ધરી દીધા હતા. ૨૦થી વધુ સભાસદ શિક્ષકોએ રાજીનામાં ધરી દેતાં ખળભળાટ મચી જવા પામ્‍યો હતો. મંડળીમાં સભાસદ તરીકે રાજીનામું આપેલા શિક્ષકો આવનારા દિવસોમાં આ મુદ્દે ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્‍ચારી છે.

(11:46 am IST)