Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ઝાલાવાડમાં દરેક ઉમેદવારો દ્વારા પોતાની જીતના દાવા

કાલે મતદાન પણ મતદારોનું મૌન અકળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૦ : વઢવાણ બેઠકમાં આવતા સુરેન્‍દ્રનગર શહેરમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોના નેતાઓ, ઉમેદવારો અને કાર્યકરો રસ્‍તા પર ઊતર્યા હતા.

 આજે બુધવારની રાત ઉમેદવારો અને કાર્યકરો માટે કતલની રાત સાબીત થનાર છે. છેલ્લી ઘડી સુધી મતદારોને મનાવવા, ડેમેજ કંટ્રોલ કરવા ઉમેદવારો અને મુખ્‍ય રાજકીય પક્ષના નેતાઓ કામે લાગી જશે. બીજી તરફ મંગળવારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સાંજના ૫  કલાક સુધી ત્રણેય રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો અને મતદારોને પોતાના તરફી મતદાન કરવાનું કહી પોતાની જીતના દાવા કર્યા હતા.

 સુરેન્‍દ્રનગર જિલ્લાની ૫ વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થયા અને ફોર્મ ભરાયા ત્‍યારબાદથી ચૂંટણી પ્રચાર ફુલ જોરમાં ચાલી રહ્યો હતો. મંગળવારે સાંજે ૫ કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ત્‍યારે મતદાન આડે હવે આજે બુધવારનો દિવસ જ રહી ગયો છે. જિલ્લાની ૫ બેઠકો દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રામાં નોંધાયેલા ૧૫૪૩ મતદાન મથકોમાં કુલ ૧૪.૭૭ લાખથી વધુ મતદારો મતદાન કરનાર છે. ઝાલાવાડની ૫ બેઠકો પર મતદારોએ અત્‍યાર સુધી અકળ મૌન સેવ્‍યુ છે. મતદારો ભાજપની સભા અને રેલીઓમાં પણ દેખાય છે, કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં માણસો હોય છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જોડે પણ મોટી સંખ્‍યામાં જનમેદની જોવા મળે છે. ત્‍યારે મતદારો કોના તરફી  મતદાન કરે તે કહેવુ મુશ્‍કેલ છે. આવતીકાલ સવારના ૮થી સાંજના ૫ કલાક સુધી મતદાન યોજાનાર છે. મતદાન શાંતિપુર્ણ માહોલમાં થાય અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દીધો છે. જિલ્લાના સંવેદનશીલ મથકો ઉપર અર્ધ લશ્‍કરી દળોની ટુકડીઓનો   બંદોબસ્‍ત રાખવામાં આવનાર છે.

 આવતીકાલે  મતદાન બાદ સાંજના સમયે ઈવીએમ મશીન સીલ થઈને શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં બનેલ મત ગણતરી કેન્‍દ્રો પર મોકલવામાં આવશે અને તા. ૮ ડીસેમ્‍બરના રોજ મતગણતરી સમયે આ ઈવીએમના સીલ ખુલશે અને મતદારોએ કોના તરફી કેવુ મતદાન કર્યુ છે? તેનો ખ્‍યાલ મતગણતરી બાદ જ આવશે.

 જિલ્લામાં તા. ૧લીએ મતદાન થનાર છે. ત્‍યારે રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રીજયાની અંદર બુથ ઉભુ કરવા -તીબંધ લાદતુ જાહેરનામુ જિલ્લા મેજીસ્‍ટ્રેટ કે.સી.સંપતે બહાર પાડયુ છે. જેમાં જણાવાયા મુજબ મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રીજયા બહાર -તી ઉમેદવાર માત્ર ૧ જ બુથ ઉભુ કરી શકાશે. બુથમાં ૨ જ વ્‍યક્‍તિઓ બેસી શકશે. બુથમાં ૨ ખુરશી, ૧ ટેબલ, ૧ છત્રી, તાડપત્રી કે કપડાનો ઉપયોગ થશે. બુથને ચારે બાજુ કંતાન કે કાપડથી બાંધી શકાશે નહી. બુથ ૧૦x૧૦થી વધારે માપના ન હોવા જોઈએ. બુથનો ખર્ચ ઉમેદવારે ચૂંટણી ખર્ચમાં દર્શાવવાનો રહેશે.

(11:31 am IST)