Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કચ્છની ૬ બેઠકો ઉપર ભાજપ માટે વર્ચસ્વ, કોંગ્રેસ માટે અસ્તિત્વ અને આપ માટે એન્ટ્રીનો જંગ

કોણ બનશે ગેમ ચેન્જર?, પ્રથમ વાર આપ, ઓવેસીની પાર્ટીની હાજરી અને આંતરિક અસંતોષ વચ્ચે કચ્છ ભાજપનો ગઢ રહેશે કે પછી નવાજૂની થશે?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ :  આ વખતે ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચુંટણી ગુજરાત સહિત કચ્છમાં પણ રસપ્રદ બની છે. તેનું કારણ આ વખતે પ્રથમવાર બે પાર્ટીઓ AAP અને AIMIM એ બન્નેએ પોતાની હાજરી ની નોંધ લેવડાવી છે. સામાન્ય રીતે ગુજરાતમાં એવી માન્યતા રહી છે કે, વિધાનસભાની ચુંટણીમાં ત્રીજા પક્ષનું રાજકીય અસ્તિત્વ રહેતું નથી. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા જેવા નેતાઓ પણ ત્રીજા મોરચા દ્વારા પડકાર સર્જવામાં નિષ્ફળ રહ્યા. પરંતુ પ્રથમ વખત ગુજરાતમાં AAP અને AIMIM એ બન્નેએ છેક છેવાડાના સરહદી વિસ્તાર કચ્છ સુધી પોતાની હાજરીની નોંધ લેવડાવી છે. સામાન્ય રીતે કચ્છ જિલ્લો ભાજપનો ગઢ રહ્યો છે. ગત ૨૦૦૨ અને ૨૦૧૭ માં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું  હતું. પણ, ૨૦૧૭ માં અબડાસા બેઠકના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ છોડી કેસરિયા કરતાં ૬ માંથી ૫ બેઠકો ભાજપ પાસે રહી. હવે આવતીકાલે મતદાન છે, ત્યારે કચ્છમાં શું થશે? એ ચર્ચા લોકોમાં થઈ રહી છે. કેજરીવાલ ની પાર્ટી AAP ની હાજરી ૫ બેઠક ઉપર છે. એક અબડાસાના પાટીદાર ઉમેદવારે છેક છેલ્લી ઘડીએ કેસરિયા કર્યા. જ્યારે AIMIM ની હાજરી ભુજ અને માંડવી એ બે બેઠક ઉપર છે. બન્ને બેઠકો ઉપર મુસ્લિમ મતદારોની  નિર્ણાયક સંખ્યા છે. જ્યારે AAP દ્વારા શિક્ષણ તેમ જ આરોગ્ય, રોજગારીની સુવિધા સાથે મફત વીજળી સહિતના વાયદાઓ છે. જોકે, ભાજપ પોતાનો ગુજરાતનો ગઢ સાચવવા મક્કમ હોય એ રીતે કચ્છ જિલ્લામાં નેતાઓના ઝંઝાવાતી પ્રવાસ, ડેમેજ કન્ટ્રોલ માટે સક્રિય બની અને મુકાબલો કરવા આક્રમક રણનીતિ સાથે સજજ રહ્યો છે. ૨૦૦૨ માં કોંગ્રેસ પાસે ૪ અને ભાજપ પાસે ૨ બેઠકો હતી. પણ, ત્યારબાદ ભાજપ સતત ૫ બેઠકો જાળવતી રહી છે, રાપરની બેઠક મહદઅંશે કોંગ્રેસ પાસે રહી છે. પરંતુ, આ વખતે ભાજપ માટે પડકાર ઊભું થવાનું કારણ પક્ષમાં આંતરિક ભાંજગડ, અસંતોષ ઉપરાંત કોંગ્રેસ સાથેના સીધા જંગમાં AAP, AIMIM ની હાજરીની નોંધ અને અસર લોકોમાં જોવા મળી રહી છે. અલબત મતદારોના મન કળવા અઘરા છે. પણ, ૨૭ વર્ષથી રાજ્યમાં, પંચાયતમાં અને નગરપાલિકામાં શાસનમાં રહેલ ભાજપ માટે કડવી વાસ્તવિકતા એ છે કે, સ્થાનિક કામગીરી કે સ્થાનિક નેતાગીરીને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો જીતનો સહારો છે.ભાજપની વિકાસની વાતો વચ્ચે અનેક જગ્યાએ શાસક પક્ષના નેતાઓ સામે લોકોએ કામ ન થયા હોઈ અસંતોષ દર્શાવી સવાલો કર્યા છે, ખરાબ રસ્તા, ગંદકી, ગટર સફાઈ, પાણી જેવા સ્થાનિકે ઉકેલી શકાય એવા સામાન્ય પ્રશ્નો આ ચુંટણીમાં મુખ્યત્વે સામે આવી રહ્યા છે. હવે, આવતીકાલે થનારું મતદાન અને ૮ ડિસેમ્બરે પરિણામ છે. ત્યારે, કચ્છની ૬ બેઠકો ઉપર ભાજપ માટે વર્ચસ્વ, કોંગ્રેસ માટે અસ્તિત્વ અને AAP માટે એન્ટ્રીનો જંગ છે. હવે કોણ ગેમ ચેન્જર સાબિત થાય છે એ જોવું રહ્યું?

(10:00 am IST)