Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

રાવણ કોણ છે? અમેઠીના લોકોને પૂછો: સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસ ઉપર પલટવાર

ગાંધીધામ, માંડવીમાં ભાજપના ઉમેદવારોની સભામાં સ્મૃતિ ઈરાનીએ રાહુલના મંદિર દર્શન, મેઘા પાટકર, બાટલા હાઉસ એન્કાઉન્ટર સહિતના મુદ્દે કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦

 ગઈકાલે ચુંટણી પ્રચારના અંતિમ દિવસે કચ્છના ગાંધીધામ અને માંડવીમાં ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીના રોડ શો અને જાહેરસભા સાથે રાજકીય ગરમી અનુભવાઈ હતી. સવારે ગાંધીધામમાં બાઈક રેલી દરમ્યાન સ્મૃતિ ઈરાની સાથે ઉમેદવાર માલતીબેન મહેશ્વરી આગેવાનો ધવલ આચાર્ય, મોમાયભા ગઢવી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગાંધીધામના દીનદયાળ ઉપાધ્યાય હોલમાં કેન્દ્રીય મંત્રી ઇરાનીએ જણાવ્યું હતું કે, અમેઠીમાં ૫૦ વર્ષથી જ એક પરિવારે શાસન ચલાવ્યું હતું. ત્યાં કલેક્ટર કચેરી નહોતી, ૧૦ લાખ લોકોને રહેવા માટે આવાસ નહોતા, ૮ લાખ મહિલાઓ માટે શૌચાલય નહોતા, ત્યાં ખેડૂતોની જમીનો ઉપર કબજો કરી લેવામાં આવતો હતો પરંતુ હવે ત્યાં બધું બદલાઇ ગયું છે.તે સાથે જ પોતાની તીખી જબાનમાં સ્મૃતિ ઈરાનીએ પલટવાર કરતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પ્રશ્ન કર્યો હતો કે રાવણ કોણ છે તે અમેઠીના લોકોને પૂછો. તેમણે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું હતું કે, બૂથ ઉપર પહોંચી, લોકોને નમીને નમો માટે મત માગજો. આ દરમ્યાન તેમણે રેવડીવાલા કોણ છે તેવો પ્રશ્ન કરી ચૂંટણી આવશે અને જાશે પણ જો કટાક્ષ કરવો હોય તો વ્યક્તિ, રાજકારણીઓ, નેતાઓ ૫૨ કરો, કોઇ ભગવાન કે સંપ્રદાય પર ન કરો.  ત્યારબાદ માંડવી પહોંચેલા સ્મૃતિ ઈરાનીએ અહીંના ઉમેદવાર અનિરુદ્ધ દવે સાથે જાહેરસભા ખુલી મૂકી પ્રચારના અંતિમ ચરણમાં કોંગ્રેસ અને આપ બન્ને ઉપર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માં જોડાયેલા નર્મદા વિરોધી આંદોલન ના મેઘા પાટકર, દિલ્હીના બાટલાવાલા એન્કાન્ટર મુદ્દે સોનિયા ગાંધીના નિવેદન સહિતના મુદ્દે તેમણે કોંગ્રેસની નીતિરીતિ પ્રજાહિત ની વિરોધી ગણાવી હતી. રાહુલના મંદિર દર્શન સામે સવાલો કર્યા હતા. અહીં માંડવીમાં પણ એમણે અમેઠી ની પરિસ્થિતિ વર્ણવી કોંગ્રેસે ૫૦ વર્ષમાં કોઈ કામગીરી ન કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાત ભાજપના ચુંટણી સંકલ્પ પત્ર દ્વારા ફ્રી કન્યા કેળવણી,  વૃદ્ધ મહિલાઓ માટે એસટી મુસાફરી ફ્રી, આયુષ્યમાન યોજના અંતર્ગત ૧૦ લાખની મેડિકલ મદદ સહિત ની જાણકારી આપી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને વિકાસલક્ષી પ્રજા હિતમાં કામ કરનારી ગણાવી હતી. કાર્યક્રમમાં અમૂલ દેઢિયા, વિશાલ ઠકકર સહિત કચ્છ ભાજપના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:40 am IST)