Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સુરેન્દ્રનગરમાં પાલિકાની ઝૂંબેશનો જબ્બર વિરોધઃ દુકાનોના ઓટલા તોડયાઃ વેપારીઓ રોડ પર બેસી ગયા...

સુરેન્દ્રનગર, તા.૩૦: સુરેન્દ્રનગર છેલ્લામાં ૧૦ દિવસથી નવા આવેલા ચીફ ઓફિસર દ્વારા દબાણ હટાવવાનું કામ ચાલી રહ્યું છે   અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં  આવ્યા છે.

વિઠલ પ્રેસ રોડ ઉપર દબાણ હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે તમામ વેપારીઓ ની દુકાનો આગળ ના ઓટલા તોડી નાંખવામાં આવ્યા હતા  વેપારી દ્વારા વિરોધ નગરપાલિકા સામે નોધાવવામાં આવ્યો હતો. અને જો ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં સુરેન્દ્રનગર બંધની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

વિઠ્ઠલપ્રેસ રોડ પર પાલિકાની ટીમ દબાણ હટાવવા જતાં વેપારીઓના વિરોધનો સામનો કરવો પડયો હતો. દુકાનોની બહાર રહેલા પાકા ઓટલા તોડી પડતા રોષે ભરાયેલા વેપારીઓ જેસીબી મશીનની આડે બેસી જતાં મામલો ગરમાયો હતો. અંતે આજે ચીફઓફીસરે વેપારીઓ સાથે તાકિદની બેઠક બોલાવી યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ ખડકી દેવાયેલા દબાણોના કારણે શહેરના રસ્તાઓ દિવસે દિવસે સાંકડા બનતા જાય છે. અને તેના કારણે વારંવાર ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે ત્યારે પાલિકાતંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરના ટીબી હોસ્પિટલ રોડ, લક્ષ્મીપરા, મેળાના મેદાન સહીતના અલગ અલગ વિસ્તારોમાંથી અંદાજે ૧૦૦ થી વધુ કાચાપાકા દબાણો અને લારીગલ્લા સહીતના દબાણો નગરપાલિકા હટાવવામાં આવ્યા હતા ત્યારે ગઈ કાલે સાંજનાં સમયે નગરપાલિકા દ્વારા વેપારીઓના ૧૦૦ થી વધુ ઓટલા તોડી રખાયા છે.

પાલિકાની ટીમે ગુરુવારે અલગ અલગ વિસ્તારોમાં કુલ ૮૦થી વધુ પાકા ઓટલાનાં દબાણો દૂર કર્યાં હતાં તેમજ મોડી સાંજ સુધી કામગીરી ચાલુ હતી.

સુરેન્દ્રનગરમાં ડિમોલેશન થયા પછી પરિસ્થિતિ જૈસે થે થઇ જાય છે. વેપારીઓના તૂટેલા ઓટલાની જગ્યાએ લારીવાળાઓ કબજો જમાવીને બેસે છે. આથી લારીવાળાઓને કાયમી જગ્યા આપી વેપારીઓના પ્રશ્નો દૂર કરવાની માંગ છે. છતાં જો પ્રશ્નનો હલ નહી આવે તો સુરેન્દ્રનગર બંધનુ વેપારીઓ એલાન આપશે તેમ ધર્મેન્દ્રભાઇ સંઘવી, (વેપારી અગ્રણી) એ જણાવ્યું છે.

વેપારીઓ સાથે શુક્રવારે ૪ વાગ્યે બેઠકનું આયોજન કરાયું છે, જેમાં પ્રશ્નનો હલ લાવવા પ્રયાસ કરાશે તેમ સ્વપ્નીલ ખરે, (ઇન્ચાર્જ ચીફ ઓફિસર) એ જણાવ્યંુ છે.

(3:56 pm IST)