Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગીર-સોમનાથના ઇણાજના નિરક્ષર બાપાએ શાળા માટે ૧૦ લાખની જમીન દાન આપવા દિકરાને પ્રેરણા આપી

ભારાબાપાએ ભુલકાઓ માટે ૧૦ લાખની ખેતીની કિંમતી જમીન શાળાનું મકાન બનાવવાં દાન આપવા આપી પ્રેરણા

વેરાવળ તા. ૩૦ : ગીર સોમનાથના વેરાવળ પાસેના ઇણાજના નિરક્ષર બાપાએ શાળા બનાવવા માટે ૧૦ લાખની કિંમતી જમીન દાનમાં આપવા દીકરાને પ્રેરણા આપતા ઇણાજના વાડી વિસ્તારમાં ૨૪ લાખનાં ખર્ચે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નિર્માણ થયેલી સોનપાટ સીમશાળા અંતરિયાળ વિસ્તારમાં નાના ભુલકાઓ માટે દિવાદાંડી રૂપ બની છે.

ઇણાજનાં ૭ ધોરણ ભણેલા લખુભાઇ સોલંકીને તેમના પિતા ભારાબાપાએ ભુલકાઓ માટે ભાર વિનાનાં ભણતર માટે રૂ. ૧૦ લાખની ખેતીની કિંમતી જમીન શાળાનું મકાન બનાવવાં દાન આપવા પ્રેરણા આપી હતી. ગુરુવારે ઇણાજની સીમ વિસ્તારનાં ૬૦ બાળકો માટે નિર્મિત આ શાળાને દાતા પરિવાર સાથે જિલ્લા કલેકટર અજય પ્રકાશ અને રાજય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાએ બાળકો માટે ખુલ્લી મુકી હતી.

ઙ્ગશાળાનું શિક્ષણ પરિવાર ભાવના અને દાતા પરિવારની લાગણી સાથે નાતો જોડી જિલ્લા કલેકટરએ શાળા સુધી પહોંચવા ૧૦ મીટર પહોળા અને ૩૨૪ મીટર લંબાઇનાં સિમેન્ટ રોડ માટે રૂ.૩.૫૦ લાખની ગ્રાન્ટ મંજુર કરી કહ્યું કે, વહિવટીતંત્ર અને લોકભાગીદારીનું શ્રેષ્ઠ મોડલ ઇણાજની સોનપાટ સીમશાળા છે. આ શાળાની હવે હું અવાર-નવાર મુલાકાત લઇશ તેમ જણાવી ઉમેર્યું કે, પોતાની કિંમતી જમીન શિક્ષણ માટે દાનમાં આપવી એ સેવાની ભાવના છે અને આવું દરેક ક્ષેત્રે બને તો વિકાસ ખુબ ઝડપથી થઇ શકશે.

ઙ્ગઆ પ્રસંગે શાળાની જમીનદાતા સોલંકી પરિવારનું જિલ્લા કલેકટર, અને ગ્રામજનો દ્વારા બહુમાન કરાયું હતુંશાળાનાં ભુતપૂર્વ આચાર્ય રમેશભાઇ ઝાલા અને વર્તમાન આચાર્ય ભરત ચુડાસમાનું બાળકોને શિક્ષણ માટે હંમેશા પ્રોત્સાહિત કરવા ગ્રામજનો અને યુવાનો દ્વારા બહુમાન કરાયું હતું.(૨૧.૯)

(12:27 pm IST)