Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કચ્છી માડુઓએ અનોખી રીતે સૈનિકોનું ઋણ અદા કર્યું

ભુજ તા. ૩૦ : આપણે શાંતિ અને સલામતી સાથે રહી શકીએ છીએ તેનું કારણ છે, આપણા સરહદના સંત્રીઓ!! પોતાની જાન ના જોખમે દુર્ગમ પરિસ્થિતિમાં સરહદ ઉપર ફરજ બજાવતા સરહદના આ સંત્રીઓનુ ભુજના માનકુવા ગામના ગ્રામજનોએ અનોખી રીતે ઋણ ઉતાર્યું હતું. કચ્છની રણ સરહદે ધોમધખતા તાપ અને કડકડતી ઠંડી વચ્ચે ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે રણના નિર્જન વિસ્તારમાં જીવન જરૂરિયાતની સામગ્રી સાચવી રાખવાની દ્વિધા રહેતી હોઈ માનકુવા ગામની બે સ્વૈચ્છીક સંસ્થાઓ વિશ્વ માનવ ઉત્થાન ટ્રસ્ટ અને પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા સીમાવર્તી ૭ ચોકી માટે ૭ ડીપ ફ્રીજ અર્પણ કરાયા હતા. માનકુવા હાઈસ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બીએસએફના ડીઆઈજી સુમંદર સિંઘ, કમાન્ડર સંજય શર્મા, અતુલ યાદવ, રાજીવ રંજન, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભીમજી જોધાણી, સંસ્થાના પ્રમુખ મનજીભાઈ કેરાઈ, માનકુવા શાળાના વિદ્યાર્થીઓ, સુખપર, સામત્રા, ફોટડી ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ૭ ડીપ ફ્રીજ માટે સહયોગ આપનાર દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરાઈ હતી. દેશદાઝ અને રાષ્ટ્રભાવના ને પ્રબળ બનાવતો આ કાર્યક્રમ ખરા અર્થમાં સૌ કચ્છી માડુઓ માટે રાહ ચીંધતો પ્રેરણાત્મક કાર્યક્રમ બની રહ્યો.(૨૧.૮)

(11:45 am IST)