Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ભાણવડમાં ટ્રસ્ટની ભાડે રાખેલી દુકાન ઉપર કબ્જો : ભાડુઆતે બાંધકામ કરી લીધુ

ભાણવડ, તા. ૩૦ : નવી મસ્જીદ મેમણ જમાતની માલીકીની દુકાન જામનગર ખાતે રણજીત રોડ પર આવેલી દુકાન પર ભાડુઆતે ગેરકાયદેસર કબ્જો કરી રીનોવેશન કામ શરૂ કરી દેતા ટ્રસ્ટના ટ્રસ્ટીએ વકફ બોર્ડ ગાંધીનગરને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.

ટ્રસ્ટના પ્રમુખ ગફારભાઇ કરીમભાઇ પટેલની રજૂઆત મુજબ જામનગરના રણજીત રોડ પર રોયલ હેર કટીંગની બાજુમાં ટ્રસ્ટની માલીકીની દુકાન દુકાન આશરે દસ વર્ષ પહેલા જામનગરના ફરીદાબેન હાજી ઇકબાલ ભગતને રૂ. ૧પ૦/-ના ભાડાથી આપેલ હતી જેને હાલમાં જ ભાડુઆતના પતિ હાજી ઇકબાલ મુસા ભગતે ટ્રસ્ટની મંજૂરી લીધા વગર જ કબ્જો જમાવવાના ઇરાદાથી પાડી નાખી છે અને અમારી પરવાનગી વગર રીનોવેશન કામ પણ શરૂ કરી દીધુ છે. નિયમ મુજબ બાંધકામ તેમજ રીનોવેશન માટે મહાનગર પાલિકામાંથી લેવું જોઇતુ એનઓસી લીધા વગર જ આ ભાડુઆતના પતિએ દુકાન તોડી રીનોવેશન કામ શરૂ કરવાની પેરવી કરી દીધી છે જેથી આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં આવે અને આ ટ્રસ્ટની માલિકીની દુકાનમાં કોઇપણ ફેરફાર કરવા ટ્રસ્ટની સંમતિ નથી. ઉપરાંત આ ભાડુઆતે છેલ્લા કેટલાક સમયથી ભાડુ ચૂકવેલ ન હોઇ ભાડુ ચડત થઇ ગયેલ હોઇ ભાડુઆત નોન પેમેન્ટ ઓફ રેન્ટના દાયરામાં આવી ગયેલ છે. જેથી મસ્જીદ હસ્તકના ટ્રસ્ટની માલીકીની દુકાનમાં ભાડુતી દરજ્જે કોઇપણ જાતનાકાયમી પ્રકારના ફેરફાર કરવાના હકક ન હોવા છતાં દુકાનને તોડી પાડી નવેસરથી બાંધકામ કરતા હોઇ આ બાંધકામ તાત્કાલીક અસરથી અટકાવવા વકફ બોર્ડ-ગાંધીનગરને નમ્ર રજૂઆત કરવામાં આવેલ છે.

(11:41 am IST)