Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

વૃતિ-પ્રવૃતિ અલગ રાખનાર સાધુ ન હોયઃ પૂ.મોરારીબાપુ

વતન તલગાજરડા-મહુવામાં આયોજીત ''માનસ ત્રિભુવન'' શ્રી રામકથાનો ચોથો દિવસઃ ભાવિકોની ભારે ભીડ

ભાવનગર-ઇશ્વરીયા તા.૩૦: પૂ. મોરારીબાપુના વ્યાસાસને વતન તલગાજરડા-મહુવામાં આયોજીત ''માનસ ત્રિભુવન'' શ્રી રામકથાનો આજે ચોથો દિવસ છે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરે છે અને ભોજન ગ્રહણ કરે છે.

આજે શ્રી રામકથાના પ્રારંભે સવારે કવિ તુષાર શુકલ અને અંકિત ત્રિવેદીની ઉપસ્થિતિમાં પુસ્તક વિમોચન-સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

'વૃતિ અને પ્રવૃતિ અલગ રાખનાર માત્ર વેશ પહેરનાર સાધુ ન હોય.' આ ટકોર તલગાજરડા ખાતે રામકથા ''માનસ ત્રિભુવન''માં શ્રી મોરારીબાપુએ કરી. અહીં ત્રીજા દિવસે સંતો અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

(આહીર) નકુમ પરિવાર દ્વારા નિમિત માત્ર બની યોજાયેલ રામચરિત માનસ કથાના ત્રીજા દિવસે ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા.

વિવિધ કથા પ્રસંગો અને સંવાદોના વર્ણન સાથે 'વૃતિ અને પ્રવૃતિ અલગ રાખનાર માત્ર વેશ પહેરનાર સાધુ ન હોય' આ ટકોર વ્યાસપીઠ પરથી શ્રી મોરારીબાપુએ કરી હતી.

'વિશ્વનાથ મમ  નાથ પુરારિ...' એ ચોપાઇ કેન્દ્ર સ્થાને રાખી ' માનસ-ત્રિભુવન'ના ગાન કરતા શ્રી મોરારીબાપુએ 'ત્રિભુવન' એ માત્ર વ્યકિતલક્ષી નહિ પરંતુ વૈશ્વિક ત્રિભુવનના અર્થમાં લેવા સમજવા કહયું.

પોતાના બાળપણના પ્રસંગો સ્મરણ સાથે શ્રોતાઓને ભાવમય બનાવ્યા. આ સાથે બ્રાહ્મણનું તેજ અને સાધુના આંખનો ભેજ અસ્તિત્વ માટે મહત્વપુર્ણ ગણાવેલ.

ગુરૂ મહિમા સમજાવતા શ્રી મોરારીબાપુએ કહયું કે આપણે દેહાશ્રિત, દૈવાશ્રિત અને દેવાશ્રિત જીવીએ છીએ પરંતુ ત્રણેયમાંથી ગુરૂનિષ્ઠા મુકિત અપાવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે મારે ગુરૂ નથી થવું, ગુરૂપદમાં બેસવું છે. આજે તુલસીદાસ મહારાજે પ્રારંભના લખેલા સંવાદોનું વર્ણન થયું.

રામકથામાં બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્થાના શ્રી ડોકટર સ્વામીએ પ્રારંભમાં ઉદબોધન કરતાં શ્રી મોરારીબાપુની ૧૧૮ મી રામકથા પ્રત્યે રાજીપો વ્યકત કર્યો રામાયણમાંથી 'માતૃદેવો ભવઃ', 'પિતૃદેવો ભવ' સંદેશો લેવા કહયું.

આ સાથે શ્રી બ્રહ્મવિહારી સ્વામીએ પણ પોતાની પ્રાસંગીક વાત કરી હતી. તેમની સાથે શ્રી આત્મસ્વરૂપ સ્વામી પણ રહ્યા હતાં.

આજે કથામાં રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ જગ્યા દેવસ્થાનમાંથી શ્રી મુકતાનંદસ્વામી, શ્રી વલ્કુબાપુ, શ્રી ઝીણારામબાપુ, શ્રી રાજેન્દ્રદાસજી, શ્રી વિજયબાપુ, શ્રી પ્રેમદાસજીબાપુ, શ્રી રવુબાપુ વગેરે સાથે રાજકીય અગ્રણીઓ શ્રી શકિતસિંહ ગોહીલ, શ્રી અનિરૂધ્ધસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આજે કથામાં શ્રી ભીખુદાન ગઢવી, શ્રી જગદીશભાઇ ત્રિવેદી, શ્રી માયાભાઇ આહીર, શ્રી સુખદેવ ધામેલીયા વગેરે રહ્યા હતાં. સંતો અગ્રણીઓ આરતીમાં જોડાયા હતાં.(૧.૪)

(10:07 am IST)