Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ચોટીલાના ખેરડી ગામે નદીના પાણીને કારણે 124 વિદ્યાર્થીઓ અને 13 જેટલા શિક્ષકો સ્કૂલમાં ફસાયા

ચોતરફ પાણી વચ્ચે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાઈ જતાં વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત પડી રહેલા વરસાદના કારણે અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, ત્યારે ચોટીલાના ખેરડી ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા હોવાની વિગતો સાંપડી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલા તાલુકાના ખેરડી ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ખેરડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 124 જેટલા વિદ્યાર્થીઓ અને 13 જેટલા શિક્ષકો સ્કૂલમાં ફસાઈ ગયા હતા.ખેરડી ગામમાંથી પસાર થતી નદીના પાણી ગામમાં ફરી વળવાના કારણે ચોટીલાથી ખેરડી તરફ જવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આટલું જ નહીં, ચોતરફ પાણી વચ્ચે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાઈ જતાં વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં આ વર્ષે સિઝનનો 556 મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

(8:21 pm IST)