Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

જામનગરની મધ્‍યમાં આવેલ રણમલ તળાવ ઓવરફલો

હાલારમાં મેઘાવી માહોલ વચ્‍ચે અનેક ડેમ, ચેકડેમ, નદી, નાળા છલકાયા : અનેક લોકોના ઘરમાં પાણી ઘુસ્‍યા

જામનગર : જામનગરના રણમલ લાખોટા તળાવમાં જળ સપાટી ઉપર આવી ચુકી છે અને આહલાદક દ્રશ્‍ય સામે આવ્‍યું છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૦ : જામનગરના લાખોટા તળાવમાં ભારે વરસાદને લઇને ઉપરવાસથી પાણી આવતા રાજાશાહી વખતના રણમલ તળાવ (લાખોટા તળાવ) ઓવરફલો થઇ ગયુ છે આજે સવારો ધ્રોલમાં ઝાપટા વરસ્‍યા છે.
જામનગર જિલ્લામાં ગઈકાલથી ગુલાબ અને શાહીન વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને દરિયામાં વેલમાર્ક ડીપ ડિપ્રેશન અનુભવી રહ્યું છે જેને લઇને હવામાન ખાતા દ્વારા આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્‍યક્‍ત કરાઈ છે તો બીજી તરફ ૬૦ કિલોમીટરની ઝડપે ભારે પવન પણ થઈ શકે છે.
જામનગરમાં ગઈ કાલ બપોર બાદથી શહેર અને જિલ્લાના અનેક વિસ્‍તારોમાં વરસાદી માહોલ જોવા મળ્‍યો હતો અને ભારે વરસાદને કારણે અનેક વિસ્‍તારોમાં રસ્‍તાઓ ઉપર અને લોકોના ઘર સુધી પાણી પહોંચ્‍યા છે.
જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫ ઇંચ આસપાસ નો વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં ૧૦૮ મિમી, જામજોધપુર તાલુકામાં ૬૦ મિમી,  જામનગર તાલુકામાં ૧૨૧ મિમી, જોડિયા તાલુકામાં ૩૮ મિમી, ધ્રોલ તાલુકામાં ૪૧ મિમી, લાલપુરમાં ૧૧૪ મિમી વરસાદ પડયાનું નોંધાયું છે. જ્‍યારે જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોની સ્‍થિતિની વાત કરવામાં આવે તો તમામ જળાશયો ભરાઇ ચૂકયા છે અને જળ લેવલ મેઈન્‍ટેન કરવા માટે અનેક જળાશયોમાં થી પાટીયા ખોલી પાણી પણ છોડાઈ રહ્યું છે.
જામનગર ની ભાગોળે આવેલા રંગમતી ડેમ ના પાટિયા પણ ખોલવામાં આવ્‍યા છે જેને લઇને મોડી રાત્રે લોકોને બાઈક સાથે તંત્ર દ્વારા સાવચેત પણ કરવામાં આવ્‍યા હતા અને લોકોને સલામત સ્‍થળે ખસી જવા જણાવાયું છે.
છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લઇને જામનગર ની ભાગોળે આવેલા દરેડ ખોડિયાર મંદિરની ફરતે સતત જળ સપાટી વધી રહી છે અને પાણીના પ્રવાહ વચ્‍ચે માતાજી નું મંદિર આવતા ભક્‍તો અને ભગવાન વચ્‍ચે અંતર વધ્‍યું છે. ખોડીયાર માતાજીના મંદિરે જવાના રસ્‍તે પુલ પરથી પણ ધસમસતા પાણીના પ્રવાહ ને કારણે સમગ્ર વિસ્‍તારમાં જળમગ્ન બન્‍યું હોય તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે.
આગામી ૨૪ કલાક દરમિયાન પણ જામનગર સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના દરિયા કિનારાના વિસ્‍તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને પવન ફૂંકાય શકે છે.

 

(11:14 am IST)