Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રવિવાર અને પ્રથમ નોરતાના કારણે કચ્છના માતાના મઢ શ્રી આશાપુરા માતાજીના દર્શને અસંખ્ય ભાવિકો ઉમટયા

રાજકોટ : ભાવિકોના આસ્થાના કેન્દ્રબિન્દુ કચ્છના માતાના મઢે નવરાત્રીના પ્રથમ દિવસે કાલે મોટી સંખ્યામાં ભાવિકોએ પૂજન, અર્ચન, દર્શનનો લાભ લીધો હતો. યાત્રાધામ માતાના મઢ જવા રસ્તાના ઉપર વાહન ચાલકોની લાંબી લાઇનો જોવા મળી હતી અને ટ્રાફિક જામ થઇ ગયો હતો કાલે સવારે રસ્તા ઉપર વરસાદનું ઝાપટુ પડતા રસ્તા ભીના થઇ ગયા હતાં, છેલ્લા ચારેક દિવસથી અહીં ભાવિકોનો પ્રવાહ અવિરત છે અને યાત્રિકો માટે જાગીર ટ્રસ્ટ દ્વારા ચાલતા ર૪ કલાક અન્નક્ષેત્રમાં ભોજન કરીને ભાવિકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. પ્રથમ નોરતું અને રવિવાર હોવાથી ભાવિકોની સંખ્યા વધી હતી માતાના મઢથી રવાપર સુધી વાહનોની લાઇનો લાગી હતી સતત ભાવિકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તસ્વીરમાં શ્રી આશાપુરા માતાજી, ભોજનાલય, મંદિરમાં ભાવિકો નજરે પડે છે.

(3:46 pm IST)