Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભાદર- ૧ ડેમનું પાણી સિંચાઇ માટે જાહેર કરવા મંગળવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે

ભાદર ૧ સલાહકાર સમિતિની બેઠકમાં ખેડૂતોનો નિર્ણયઃરાજકોટ, ગોંડલ, જેતપુરનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો હવે ભાદર ૧ ને સિંચાઇ અર્થે મુકત કરવા માંગ

ધોરાજી, તા.૩૦: તાજેતરમાં ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પરિસરમાં ભાદર ૧ ડેમ સલાહકાર સમિતિની ખાસ બેઠક યોજાઈ હતી જેમાં સમિતિના સભ્યો ઉપરાંત ખેડૂત મિત્રો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

ભાદર ૧ ડેમ ને સંપૂર્ણ રીતે સિંચાઈ માટે જાહેર કરવા બાબતે યોજાયેલ બેઠકમાં ભાદર એક કમાન્ડ એરિયા ના ખેડૂતો તેમજ સમિતિના ડી.જી. બાલધા,ધીરુભાઈ બાબરીયા,વજુભાઇ કોઠારી,મનોજભાઈ મારવણીયા, લખાભાઈ ડાંગર, સહિત ૪૨ જેટલા ગામોના ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ખેડૂત આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી કે જેતપુરના ભાદર ૧ ડેમ એ સિંચાઈ માટે બનાવેલો ડેમ છે જોકે રાજકોટ ગોંડલ અને જેતપુર ની પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય આથી તે શહેરોમાં ભાદર એક માંથી પીવાનું પાણી આપવામાં આવતું હતું.

હવે રાજકોટમાં આજી અને ન્યારી તેમજ ગોંડલ અને જેતપુરમાં નર્મદાના નીર મળતા શરૂ થઈ ગયા હોય જેને લીધે આ શહેરોમાં હવે પીવાના પાણીની સમસ્યા ઉકેલાઇ ગઇ છે.

જેથી ભાદર ૧ ડેમ જે માત્ર સિંચાઇ માટેનું ડેમ છે તેને સંપૂર્ણ રીતે સિંચાઈ માટે જાહેર કરવા અને સિંચાઈ માટે જ મુકત કરવા જાહેર કરવામાં આવે તેવી સર્વે ખેડૂતોની માગણી છે અને આ બાબતે આગામી મંગળવારે ખેડૂતોનું પ્રતિનિધિમંડળ જિલ્લા કલેકટરશ્રીને રૂબરૂ મળીને તેમની માગણી સાથેનું આવેદનપત્ર સુપ્રત કરશે.

(12:25 pm IST)