Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લાઠીમાં ધી જુનાગઢ કોમર્શિયલ કો.ઓપ.બેંકનું મંત્રી રૂપાલાના હસ્તે ઉદઘાટન

અમરેલી તા.૩૦:  અમરેલી જિલ્લાના લાઠી ખાતે ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી પરષોત્તમ ભાઈ રૂપાલા અને સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ધ જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનોને સંબોધતા કેન્દ્રીયમંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે કેટલીક બેંકોનું મર્જર કરવામાં આવ્યું અને પ્રાદેશિક સ્તરે લાઠી જેવા નાના શહેરમાં આપણે લાઠી નાગરિક સહકારી બેંક અને ધ જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડનું મર્જર થયું છે. આમ રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા નિર્ણયોને આજે લાઠી જેવા નાના શહેરોમાં પણ ઝડપી અમલ થઇ રહ્યો છે. બેંકોનું મર્જર થતા રાષ્ટ્રની આર્થિક સ્થિતિ ઘણી સુધરી છે. આજે ઉદ્દઘાટન કરાયેલ આ કોમર્શિયલ બેંક ની આ ૧૪મી શાખા છે આમ આ બેંક ૧૪ ગણી વધુ મજબૂત બની છે. નગરજનો આજે પોતાના પરસેવાની કમાણી બેંકના ભરોસે આપે છે અને બેંકોની પણ આધુનિક સુવિધાઓ એમના ખાતાધારકોને સંપૂર્ણપણે સંતોષ આપે છે.

વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જયારે આપનો ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે આપણી સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડા જેવી બેંકો આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામે છે. બેંકોનું મર્જરએ રાષ્ટ્રીય સ્તરે દેશને આર્થિક રીતે વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્રના આગેવાનોને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ  હિરેન હિરપરા, ભાજપ મહામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, સહકારી અગ્રણીશ્રી મનીષભાઈ સંઘાણી, ડોલરભાઈ, ધ જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન આશિષ પારેખ, એમ.ડી.શ્રી રાજુ જોબનપુત્રા તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:15 pm IST)