Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હુમલાનો ભોગ બનનાર વડીલને ત્‍યાં એસપી સૌરભ તોલંબીયા અને તેમના પત્‍નિ નિશાબેન ગયા ત્‍યારે ભૂજમાં ભારે ભાવુક દ્રશ્‍યો સર્જાયા

ખારા રણમાં મીઠી વિરડી...મારા પિતાની ઉંમરના વડીલ સાથે ગેરવર્તન કરનારને જીંદગીભર યાદ રહે તેવો પાઠ પોલીસ ભણાવશે : એસપીના પત્‍નિએ એ વડીલને પોતાના બંગલે રહેવા આવી જવા વિનંતી કરી...ડોકટરને પણ ભલામણ કરી...: એક અનોખી કહાની

રાજકોટ, તા. ૩૦ :. સામાન્‍ય રીતે પોલીસ અને પોલીસ અધિકારીઓની છાપ કરડાકી ભર્યા ચહેરા, બરછટ ભાષા અને લોકો સાથે તોછડુ વર્તન, લોકોને ધક્કા ખવડાવવા કે પરેશાન કરવા તેવી છાપ જાણે-અજાણ્‍યે લોકોના મનમાં ઉપસી આવે છે. ખારા રણમાં મીઠી વિરડી સમી આ ઘટના પણ રણ પ્રદેશ કચ્‍છના ભૂજની જ છે. ૭૨ વર્ષના વયોવૃદ્ધ એવા હર્ષકાંતભાઈ વૈષ્‍ણવે સક્રિય રહેવા માટે હોટલ પ્રિન્‍સમાં મેનેજર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. આવા વયોવૃદ્ધને વૈભવ સહિતના ભૂજના યુવાનોએ મોડી રાત્રે માંગેલી સવલતો અંગે ઈન્‍કાર કરતા વૈષ્‍ણવભાઈની ઉંમર જોવા વિના તેમના પર હુમલો કરેલ.

આ ઘટનાનો વિડીયો ફરતો થતા અને તે બાબત કચ્‍છ વેસ્‍ટના એસ.પી. સૌરભ તોલંબીયાના ધ્‍યાને આવતા જ તેઓએ તમામ પોલીસ મથકોને આરોપીને બે જ કલાકમાં ઝડપી લઈ તેને કાયદાનું ભાન કરાવવા માટે આદેશ કર્યો અને એ આદેશનું પાલન થયું અને આરોપીને જેલ ભેગો કર્યો.

વાત અહીંથી પુરી થતી નથી. વયોવૃદ્ધ વડીલને આશ્વાસન આપવા એસ.પી. સૌરભ તોલંબીયા અને તેમના પત્‍નિ નિશાબેન સાથે મેનેજરના ઘેર ગયા. એસ.પી. સૌરભ તોલંબીયાના પત્‍નિ તો વડીલની આવી હાલત જોઈ ભાવુક થઈ રડી પડયા અને એ પહેલા તો તેઓએ હોસ્‍પીટલમાં પણ ફોન કરી એ વડીલની સારવારમાં કોઈ કમી ન રાખવા ડોકટરને ખાસ ભલામણ કરેલ હતી. દરમિયાન આરોપીને ઘેર જાણ થઈ શકે તે માટે પોલીસે મોટુ મન રાખી મોબાઈલ ફોન આપતા આરોપીએ ઘરે જાણ કરવાની સાથે હોટલના માલિકને મધરાત્રે મેસેજ કર્યો ‘કેસ એક રાત કા હૈ, દુશ્‍મની લાઈફ ટાઈમ કી, જસ્‍ટ વેઈટ એન્‍ડ વોચ..' એસ.પી. સૌરભ તોલંબીયાને આવા મેસેજની જાણ થતા જ આરોપીને ફરીથી કાયદાનું ભાન કરાવવા સૂચના આપી આરોપી સાથે રહેલા બીજા એક શખ્‍સને પણ ઝડપાવી દીધો. એસ.પી. સૌરભ તોલંબીયા તથા તેમના પત્‍નિ નિશાબેને એ વડીલને પોતાના બંગલે રહેવા આવવા માટે લાગણી ભરી અપીલ કરી અને તેઓને એક પુત્રીની માફક પોતે સાચવશે તેવી ખાત્રી આપી હતી. આમ આવી ઘટનાએ પોલીસની ખરડાતી જતી છાપને સંજીવની આપી છે. ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ તથા ગૃહખાતાએ પણ કચ્‍છ એસ.પી. સૌરભ તોલંબીયાની આવી માનવતાભરી કામગીરીની નોંધ લીધી છે.

ઉકત બાબતે એસ.પી. સૌરભ તોલંબીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે આ તો મારી ફરજ જ હતી. મારા કાર્યક્ષેત્રમાં આ રીતે કોઈ માતા પિતાજી જેવી ઉંમરના વડીલ પર હુમલો કરે તે મારા માટે પણ અયોગ્‍ય ગણાય. આથી જ ભવિષ્‍યમાં આવી ભૂલ કોઈ ન કરે તે માટે હુમલો કરનાર સામે હજુ પણ આકરા પગલા લઈ સમાજમાં એક મેસેજ પ્રસરાવવો છે.

(12:07 pm IST)