Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મુંદ્રા, અંજાર અને ગાંધીધામમાં ચારેય બાજુ પાણી ભરાઈ ગયા

મુંદ્રાના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા : કચ્છમાં સીઝનનો સૌથી વધારે ૧૬૯ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો : કચ્છના પંથકોમાં હજુ ય મેઘમહેર યથાવત

 અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર ને પગલે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે દિવસભર વરસાદ વરસ્યા બાદ આજે પણ મેઘરાજાએ કચ્છ જિલ્લા અને તેના અનેક પંથકોમાં જોરદાર જમાવટ કરી હતી. ખાસ કરીને કચ્છના મુંદ્રા, અંજાર, ગાંધીધામ સહિતના પંથકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણથી છ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. કચ્છના મુન્દ્રામાં સાંબેલાધાર છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે મુંદ્રાના કેટલાય વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કચ્છ જિલ્લામાં સરેરાશ એકથી બે ઇઁચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જયારે કેટલાક પંથકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણથી છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. કચ્છના અનેક પંથકોમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

કચ્છના અબડાસામાં ૨૦ મીમી, અંજાર ૧૮ મીમી, ભચાઉ ૬ મીમી, ભુજ ૧૬ મીમી, ગાંધીધામ ૭૨ મીમી, માંડવી ૧૭ મીમી, મુંદ્રા ૧૩૧ મીમી, નખત્રાણા ૨ મીમી, રાપર ચાર મીમી સહિતનો વરસાદ નોંધાયો હતો. મેઘરાજાએ આ વર્ષે કચ્છ પંથક પર વધુ પડતી મહેર વરસાવી છે, જેને લઇ ચાલુ વર્ષે સમગ્ર રાજયમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં જ નોંધાયો છે. કચ્છમાં સીઝનનો અત્યારસુધીમાં ૧૬૯ ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂકયો છે અને સમગ્ર પંથકમાં હજુ પણ મેઘમહેર જારી છે. કચ્છના અંજારનો ટપ્પર ડેમ આજે છલકાયો હતો, જેના કારણે ડેમના પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. કચ્છના મુંદ્રા, અંજાર અને ગાંધીધામમાં આજે પણ માત્ર બે કલાકમાં જ એકથી બે ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે આ પંથકોના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક નદી-નાળાઓમાં પણ ભારે વરસાદને લઇ નવા નીરની નોંધનીય આવક થઇ હતી.

(9:10 pm IST)