Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ધ્રાંગધ્રાના સબજેલમાંથી ૩ મોબાઇલ-ચાર્જર ઝડપાયા

 વઢવાણ, તા.૩૦:  ધ્રાંગધ્રા સીટી પોલીસના કોન્સ્ટેબલ દશરથભાઇ રબારીને ખાનગી બાતમીના આધારે હકીકત મળી હતી કે ધ્રાગધ્રા સબજેલમા અનઅધિકૃત ચીજ-વસ્તુઓનો વપરાશ થાય છે જે બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચૌહાણ, દશરથભાઇ રબારી, મહાવીરસિંહ, યુવરાજસિંહ સહિતનાઓ તુરંત સબજેલમા પ્રવેશ કરી ઝડતી કરતા સબજેલના બેરેક નંબર ૧મા રહેલા કાચાકામનો કેદી શંકા પદ હાલતમા જોવા મળતા તેની અંગ તપાસમાથી એક મોબાઇલ મળી આવ્યો હતો. જયારે આ શખ્સનુ નામ પુછતા પોતાનુ નામ ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ રહે ગામઃ- વાવોલ જીઃ- ગાંધીનગર હોવાનુ ખુલ્યુ હતુ, બાદમા બેરેક નંબર ૨મા તપાસ કરતા રફીક રાજેમીયાભાઇ સૈયદ રહે ગામ- ખારાગોઢા તાઃ- પાટડીવાળા પાસેથી પણ એક મોબાઇલ ઝડપાયો હતો જયારે અન્ય બેરેક નંબર ૪મા તપાસ કરતા ભરત તલાભાઇ ઠાકોર રહે ગામ- ફતેપુર તા- પાટડીવાળા પાસેથી એક મોબાઇલ ઝડપાતા બેરેક નંબર ૪ના બાથરૂમમા તપાસ કરતા અંદરથી એક કાળા રંગનુ ચાર્જર પણ મળી આવ્યુ હતુ.

જેથી સીટી પોલીસના સ્ટાફ દ્વારા સબજેલના જુદાજુદા બેરેકમાથી ઝડતી દરમિયાન કાચાકામના કેદીઓ પાસેથી મળી આવેલ કુલ ૩ મોબાઇલ તથા એક ચાર્જરનો ઉપયોગ કરતા સબજેલના પ્રશાસન પર સવાલો ઉભા થયા હતા અને આ પ્રતિબંધિત ચીજવસ્તુઓ સબજેલમા કઇ રીતે પ્રવેશ કરે છે તથા કોણ સબજેલમા અનઅધિકૃત ચીજ-વસ્તુઓને લાવવા લઇ જવામા મદદરુપ થાય છે તેની સમગ્ર તપાસ બહાર લાવવા કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેય મોબાઇલ સાથે ઝડપાયેલા શખ્સો પર ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૭)

(3:47 pm IST)