Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પોરબંદરમાં ATMમાં છેતરપીંડી કરતી ટોળકીના ર સભ્યો ઝડપાયા

પોરબંદર તા. ૩૦: એટીએમમાં અભણ અને ભોળા લોકોને રૂપિયા કાઢી આપવા મદદના બહાને રૂપિયા સેરવી છેતરપીંડી કરતી યુ.પી.ની ટોળકીના ર સભ્યો ને પોલીસે પકડી પાડેલ છે. આ બન્ને આોરપીઓ રાણા પ્રતાપસીંગ રાજપૂત (ઉ.વ.૨૨) રે. ચહરપુર યુ.પી. તેમજ શુભાંસ સીંગ ઉર્ફે શુભમ હદયનારાયણ સીંગ રાજપૂત (ઉ.વ.૧૯) રે. મીરઝાપુર યુ.પી. એલ.સી.બી. પોલીસે પકડી પાડેલ છે. બન્ને આરોપીઓએ અઠવાડિયા પહેલા પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે એ.ટી.એમ.માં કોળીવાડમાં રહેતા જીજ્ઞેશ છગનભાઇને  મદદ કરવાના બહાને એ.ટી.એમ. બંધ છે તેમ કરી કરામત કરીને ૧૦ હજાર કાઢી લઇ રફુચક્કર થઇ ગયાં હતા.

અગાઉ બન્ને આરોપીઓએ જાન્યુઆરીમાં પોરબંદરમાં એ.ટી.એમ.માંથી ૪૫ હજાર અને ૫૦ હજારની છેતરપીંડી કર્યાની કબુલાત કરી હતી. ઉપરાંત અમદાવાદમાં જાન્યુઆરીમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે એ.ટી.એમ.માં ૧૦ હજારની છેતરપીંડી તેમજ દસ દિવસ પહેલા અમદાવાદ પાલડીની બાજુના વિસ્તારમાં એ.ટી.એમ.માંથી લોકોને મદદના નામે ૭ હજાર સેરવી લીધા હતા.

બન્ને આરોપીઓએ મીરઝાપુર, રેવા (એમ.પી.) તથા દિલ્હીમાં એ.ટી.એમ.માં છેતરપીંડી કરેલ હોવાનું ખુલ્યું છે.

યુ.પી. મીરઝાપુરમાં ૨૦૧૭માં એ.ટી.એમ.માં ચીટીંગ કરતા સાથે હેરોઇન અને તમંચા સાથે ઝડપાઇ ગયેલ હોવાની પોલીસને કબુલાત આપી છે.

પોરબંદર જિલ્લા અધિક્ષક પાર્થરાજસિંહની સુચના તથા સીટી ડીવાયએસપી વી.કે. દેલવાડીયા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એેસ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન સ્ટાફના બલભદ્રસિંહ સહિતના સ્ટાફે એમ.જી. રોડ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન બન્ને આરોપીને પકડી પાડયા હતાં.

આ બન્ને આરોપીઓએ જે કોઇ વ્યકિત સાથે છેતરપીંડી કરી હોય તેમણે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

(3:35 pm IST)