Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

બોળચોથ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી તહેવારનો પ્રારંભ

કાલે નાગ પાંચમ, શનિવારે રાંધણ છઠ્ઠ, રવિવારે શીતળા સાતમ અને સોમવારે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે

રાજકોટ, તા. ૩૦ : તા. ૩ સપ્ટેમ્બર ને સોમવારે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ સાથે જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. આજે ગુરૂવારે બોળચોથની ઉજવણી કરવામાં આવી રહી છે. કાલે નાગદેવતાના પૂજન સાથે નાગપાંચમની ઉજવણી કરવામાં આવશે.

શનિવારે રાંધણ છઠ્ઠ, રવિવારે શીતળા સાતમ અને સોમવારે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ 'જન્માષ્ટમી' પર્વ ઉજવાશે.

લોકોમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.

વિરપુર (જલારામ)

વીરપુર (જલારામ) : સંત શિરોમણી જલારામબાપાની સમાધિથી તદન નજીક પોણા બસો વર્ષ પુરાણું નાગદેવતા 'આહાપાદાદા'નું મંદિર આવેલું છે. આ મંદિરમાં નાગપાંચમના શુભદિવસે વીરપુર ગામના તમામ સમાજના ભાવિકભકતો અને શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી નાગદેવતા શ્રી આહાપાદાદાની પૂજા કરે છે અને ભકિતભાવથી નાગદાદાને શ્રીફળ પ્રસાદ ધરાવે છે. આ એક નાગદેવતાના પાળીયાના મંદિર નિર્માણ કરવા માટે શ્રી આહાપાદાદા મિત્ર મંડળ તેમજ સર્વ જ્ઞાતિના લોકોએ જહેમત ઉઠાવી સુંદર મંદિરનું નિર્માણ કરેલ છે. આ મંદિરની બાજુમાં જ પીરની મજાર પણ આવેલી હોવાથી હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના દર્શન પણ થાય છે. આ નાગદેવતાના મંદિરે શ્રી આહાપાદાદા મિત્ર મંડળ દ્વારા નાગપા઼ચમ દિવસે પૂજય જલારામ બાપાની સમાધી પાસે રાત્રે ૯ કલાકે એક ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં નામી-અનામી કલાકારો મનસુખભાઇ વસોયા, કાજલબેન પટેલ, નથુદાન ગઢવી પોતાની કલા પીરસશે આવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી નાગદાદાની નાગપાંચમની ઉજવણી કરવામાં આવશે તેમ શ્રી આહાપાદાદા મિત્ર મંડળની યાદીમાં જણાવાયું છે.

જસદણ

જસદણઃ જસદણથી ૧૮ કિલોમીટર દૂર આવેલ નવાગામના વિખ્યાત તીર્થધામ તલસાણીયા દાદાના મંદિરે આવતીકાલે તા. ૩૧ને શુક્રવારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગામોના શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડશે અને ખોબા જેવડા નવાગામમાં મેળા જેવું વાતાવરણ બનશે. આ અંગે મંદિરના મહંત જોગાબાપાની સીધી દેખરેખ હેઠળ અનેકાએક સ્વયંસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. લોકોની મનોકામના પૂર્ણ કરતા તલસાણીયા દાદાના મંદિરે બારેમાસ દર્શનાથીઓની અવરજવર રહે છે તેમની માટે મંદિર દ્વારા ચા પાણી અને ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે પ્રસાદીરૂપે પૂરી પાડવામાં આવે છે. ત્યારે શુક્રવારે નાગપાંચમના દિવસે ઠેકઠેકાણેથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે આને ધ્યાનમાં રાખી મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. (૮.૪)

(12:02 pm IST)