Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પક્ષાપક્ષીથી દુર રહીને કામ કરો, સરકાર કચ્છના ઘાસચારા સહિતના પ્રશ્નો ઉકેલવા તૈયાર : વિજયભાઇ રૂપાણી

ભુજ તા. ૩૦ : કચ્છમા અછત ની સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ ભાજપના નેતાઓને એકાએક તેડું મોકલતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, કોંગ્રેસે કરેલા આકમક દેખાવો પછી મુખ્યમંત્રીએ સાંસદ, ધારાસભ્યો, પ્રભારી, સંગઠનના નેતાઓને બોલાવ્યા હોઈ રાજકીય ચર્ચાઓ થાય તે સ્વાભાવિક છે. ગાંધીનગર માં શું થયું એ વિશે કચ્છના રાજકીય પક્ષો માં તેમ જ વહીવટીતંત્ર માં પણ ઉત્તેજના અને ઇન્તેજારી હતી.

રાજય મંત્રીમંડળ ની કેબીનેટ બેઠક પુરી થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કચ્છ ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. સૌ પ્રથમ ઘાસનો પ્રશ્ન જાણીને મુખ્યમંત્રી એ તાત્કાલિક અસર થી કલેકટર દ્વારા કરાયેલ ૧ કરોડ ૪૨ લાખ કિલો ઘાસ ની દરખાસ્ત પૈકી ૫૦ લાખ કિલો ઉપરાંત વધારાનું ૬૦ લાખ કિલો ઘાસ મંજૂર કરીને ઝડપભેર કચ્છમા ઘાસ પહોંચે તે માટે રાહત કમિશનર મનોજ કોઠારીને આદેશો આપ્યા હતા. હાલે ઘાસ મોકલવામાં થતો વિલંબ ટાળવા જુનાગઢ, જામનગર અને મોરબી ના ઘાસ ડેપોમાં થી તાત્કાલિક ઘાસ કચ્છ પહોંચાડવા વનવિભગને જણાવ્યું હતું. તો, રેલવે રેક માં અત્યારે વિલંબ થાય એમ હોઈ રોડ રસ્તા ને પ્રાધાન્ય આપીને ટ્રકો મારફતે ઘાસ પહોંચે તે માટે જરૂરી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા માટે સરકાર મદદરૂપ બનશે એવી ખાત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ આપી હતી. જોકે, મુખ્યમંત્રી એ કેબિનેટમાં પણ વાસણભાઇ એ રજૂ કરેલા ઘાસચારા ના પ્રશ્ન સંદર્ભે કચ્છ ભાજપ ના નેતાઓને કહ્યું હતું કે કચ્છ માં સરકાર ઘાસની તંગી પડવા નહીં દે. જયારે રાપર વિસ્તાર માં નર્મદા કેનાલમાં પાણી છોડવા તેમ જ અન્ય તાલુકા માં પીવા માટે નર્મદાના પાણીનો પૂરતો જથ્થો ફાળવાશે એવી ખાત્રી અપાઈ હતી. આ ઉપરાંત કચ્છ ના અન્ય પ્રશ્નો ની પણ ચર્ચા થઈ હતી. ભુજ ગાંધીધામ હાઈ વે ઉપર ગડા પાટીયા પાસે અધૂરા પડેલા ઓવરબ્રીજનું કામ, ભુજ ભચાઉના અધૂરા પડેલા રસ્તા નું કામ, ભુજ નખત્રાણા ફોરલેન રોડનું ઝડપથી થાય તેવા કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓ ની રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ આ પ્રશ્નો હોય કે તે સિવાય ના પ્રશ્નો હોય તમામ પ્રશ્નો ઉકેલવા સરકાર તત્પર હોવાની હૈયાધારણ આપી હતી.

કચ્છ ભાજપના પ્રતિનિધિ મંડળમાં રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, લક્ષમણસંગઠન વતી પ્રભારી બીપીનભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી વલમજી હુંબલ અને અરજણ રબારી ઉપસ્થિત રહ્યા હતા. જોકે, રજૂઆતો દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ ભાજપના નેતાઓને ટકોર કરતા કહ્યું હતું કે પક્ષાપક્ષી થી દૂર રહીને કામ કરજો સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવા તત્પર છે. જોકે, ભાજપ ના આંતરિક સુત્રોનું માનીએ તો ઘાસચારાની કટોકટીના મુદ્દે સરકાર ઉંઘતી ઝડપાઇ છે. ઘણા સમય થી કચ્છમા ઘાસચારા ની તંગી નો મુદ્દો ચર્ચામાં રહ્યો અને પશુપાલકોની રજુઆતો પણ થતી રહી. પરંતુ કોંગ્રેસના વિરોધ ને પગલે ઘાસચારાની વિકટ પરિસ્થિતિનું ચિત્ર સરકાર ધ્યાને આવ્યું.(૨૧.૧૩)

(12:01 pm IST)