Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

તળાજા ફાયરીંગ પ્રકરણમાં કુખ્યાત શૈલેષ ધાંધલિયા બે દિ' રીમાન્ડ ઉપર

ગોપનાથ રોડ પર જમીન ખાલી કરાવવા સહિત ૧૯ ગુન્હાઓ જેના ઉપર છે તેવા શૈલેષને જોવા લોકો કિડીયારાની જેમ ઉભરાયાઃ ફાયરીંગ પ્રકરણમાં ફરાર થયેલ આરોપીઓ અંગે માહીતી મેળવવા પોલીસની મથામણ

ભાવનગર તા. ૩૦ :.. તળાજાનાં ગોપનાથ રોડ ઉપર જમીન ખાલી કરાવવા બાબતે ફાયરીંગ પ્રકરણમાં ઝડપાયેલ કુખ્યાત શૈલેષ ધાંધલ્યાનો નામદાર કોર્ટ દ્વારા બે દિવસનાં રીમાન્ડ મંજૂર થયા છે.

૧૯ જેટલા ગુનાઓ અને આરોપો લાગ્યા છે. તેવા કુખ્યાત બનેલા શૈલેષ ધાંધલ્યા સહિત ત્રણ શખ્સોને એલસીબી પોલીસે આજે નામદાર કોર્ટ, તળાજા ખાતે રજૂ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતાં. શૈલેષને તળાજામાં લોકો સમક્ષ લાવવામાં આવશે તેવી જાહેરાતનાં પગલે શૈલેષ અને તેના સાગ્રીતોને પોલીસ શુ કરશે, શુ કરી શકે તે જોવા માટે મુખ્ય માર્ગ પર લોકો કીડીયારાની જેમ ઉભરાયુ હતું.

તળાજાના ગોપનાથ રોડ પર આવેલ જમીન ખાલી કરવાના મામલે શૈલેષ ધાંધલ્યા, મુકેશ શિયાળ, ભદ્રેશ ગૌસ્વામી તથા ચાર અન્ય શખ્સો વિરૂધ્ધ નોંધાયેલ પિસ્તોલમાંથી ફાયરીંગ કરી જીવલેણ હૂમલાની નોંધાયેલ ફરીયાદના પગલે ભાવનગર ક્રાઇમ બ્રાંચ એ ત્રણેય આરોપીનો કબ્જો મેળવી આજે તળાજા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી દસ દિવસના રીમાન્ડની માગણી કરી હતી.

રીમાન્ડમાં એપીપી સી. ડી. પરમાર તથા પો. ઇ. મિશ્રાએ નામદાર કોર્ટને સમક્ષ ગુનામાં વપરાયેલ હથીયાર, વાહનો અને અન્ય ફરાર શખ્સોની ભાળ મેળવવા, માટે રીમાન્ડની જરૂરીયાત હોવાની દલીલ કરી હતી.

સામાપક્ષે એડવોકેટ હીરેન વકીલની દલીલ રહી હતી. બન્ને પક્ષે દલીલ સાંભળી એડી. ચીફ જયુ. કોર્ટ જજ એસ. એ. ટેલર એ બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતાં.

બીજી તરફ શૈલેષ ધાંધલ્યા અણી મંડળીને લોકો સમક્ષ પોલીસ લાવશે તેવા સમાચારના પગલે બપોરના ચાર વાગ્યાથી કોર્ટની બહાર, તળાજાના બાપા ચોકથી વાવચોક સુધી અને બાલ તિલક ચોકમાં લોકો એકઠા થવા લાગ્યા હતાં.

અગાસી, ધાબા, ગેલેરી પર મહીલાઓ પણ ગુન્હીત માનસ ધરાવતા શખ્સોને લોકો સમક્ષ લાવી એલસીબી પોલીસ શુ કરશે અને પોલીસ શુ ... કરી શકે તે જોવા માટે કલાકો સુધી લોકોએ વાટ જોઇ હતી.

પોલીસના ચાર વાહનોમાં પોલીસના કાફલા સાથે ત્રણેય શખ્સોએ બજારમાં લાવવામાં આવેલ હતાં. પરંતુ વાહનો બે વખત ઉભા રહયા વગર, વાહનોમાંથી ત્રણેય શખ્સોને ઉતાર્યા વગર જ વાહનો હંકારી પોલીસ કાફલો નિકળી ગયો હતો. અને લોકો નીરાશ થયા હતાં. (પ-૧પ)

(11:57 am IST)