Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

દ્વારકાધીશ જગત મંદિરે ઠાકોરજીનો જન્મોત્સવ ઝળહળ્યો

જય દ્વારકાધીશ : દ્વારકાધીશ જગત મંદિરે જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારીના ભાગરૂપે જગતમંદિરને રોશનીથી શણગારાયું છે તે દર્શાય છે.

 દ્વારકા, તા. ૩૦ : અત્રેના સુપ્રસિદ્ધ જગતમંદિર ખાતે ભગવાન દ્વારિકાધીશના જન્મોત્સવ જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જના ભાગરૂપે દ્વારિકાનગરી શણગાર સર્જી રહી છે.

જન્માષ્ટમી પર્વ અહીં હજારો-લાખોની સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડશે. ત્યારે મંદિરમાં દર્શન અને સુરક્ષા તથા પ્રસાદ તેમજ પાર્કીંગ સહિતની સુવિધાઓ માટે વ્યવસ્થા તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે.

રાજાધિરાજ કાળીયા ઠાકોરના જન્મોત્સવ અગાઉ જૂજ દિવસો જ બાકી હોય તેની તૈયારીના ભાગરૂપે દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આવેલ સ્વર્ગ દ્વાર તથા મોક્ષ દ્વારને વિવિધ લાઇટીંગ-ડેકોરેશનથી સુશોભીત કરતા રાત્રીના સમયે જગતમંદિર કલાત્મક લાઇટીંગની ઝળહળી ઉઠયું હતું. આ વખતે પ્રથમ વાર જગતમંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પૈકીના એક એવા મોક્ષ દ્વાર પાસે 'જય દ્વારકાધીશ', 'રાધે રાધે' તેમજ રીલાયન્સ જેવા ડીજીટલ મૂવીંગ નામોયુકત લાઇટીંગથી ઝળહળતું જોવા મળ્યું હતું. જગતમંદિરમાં આવેલા સાત માળને પણ વિવિધ કલાત્મક લાઇટીંગથી સુશોભીત કરવામાં આવ્યા છે.

જન્માષ્ટમી તથા પારણા નૌમ શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

દ્વારકા યાત્રાધામના જગપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આગામી તા.૦૩-૪- સપ્ટે.૨૦૧૮ના રોજ ઠાકોરજીનો જન્મોત્સવ તથા પારણા નૌમ મહોત્સવની ઉજવણી અનુસંધાને શ્રીજીના દર્શન સમયમાં નીચે મુજબનો ફેરફાર નોંધાયો હોવાનું જગતમંદિરના વહવટદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

જે મુજબ તા.૦૩-૯-૨૦૧૮, સોમવાર (જન્માષ્ટમી)ના રોજ સવારે શ્રીજીની મંગલા આરતી ૬ કલાકે, મંગલા દર્શન ૬ થી ૮, શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન તથા અભિષેક દર્શન ૮ કલાકથી, શ્રીજીના સ્નાન ભોગ ૧૦ કલાકે, શ્રીજીના શૃંગાર ભોગ ૧૦:૩૦ કલાકે,શ્રીજીની શૃંગાર આરતી ૧૧:૦૦ કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ ૧૧:૧૫ કલાકે, શ્રીજીનો રાજભોગ ૧૨:૦૦ કલાકે તથા અનોસર (બંધ) (બપોરે) ૧ થી ૫ સુધી રહેશે. સાંજના દર્શન ક્રમમાં ઉત્થાપન દર્શન ૫:૦૦ કલાકે, ઉત્થાપન ભોગ ૫:૩૦ થી ૫:૪૫, સંધ્યા ભોગ ૭:૧૫ થી ૭:૩૦ કલાકે, સંધ્યા આરતી ૭:૩૦ કલાકે, શયન ભોગ ૮ થી ૮:૧૦ કલાકે, શયન આરતી ૮:૩૦ કલાકે, શયન અનોસર (બંધ) ૯:૦૦ કલાકે રહેશે. શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય (રાત્રે) જન્માષ્ટમી મહોત્સવની આરતી દર્શન ૧૨:૦૦ કલાકે, અનોસર (દર્શન બંધ) ૨:૩૦ કલાકે થશે.

પારણા નૌમના રોજ ઠાકોરજીના દર્શનનો ક્રમમાં તા.૪-૯-૨૦૧૮, મંગળવાર (નૌમ)ના સવારનો ક્રમમાં અનોસર (બંધ) ૧૦:૩૦ કલાકે થશે. સાંજના ક્રમમાં શ્રીજીના પારણા ઉત્સવ દર્શન ૭ કલાકે, ઉત્થાપન દર્શન ૫ કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન ૫ થી ૬, દર્શન બંધ શ્રીજીની અભિષેક પૂજા (બંધ પડદે) ૬ થી ૭ કલાકે, શ્રીજીના દર્શન ૭ થી ૭:૩૦, સંધ્યા આરતી ૭:૩૦ કલાકે, શયન ભોગ ૮:૧૦ કલાકે, શયન આરતી ૮:૩૦ કલાકે, શયન અનોસર (બંધ) ૯:૩૦ કલાકે થનાર હોવાનું વહીવટદારશ્રીની યાદીમાં જણાવાયું છે.(૮.૭)

 

(11:53 am IST)