Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સાવરકુંડલાના આંબરડીમા ખેડૂતો અને ભૂમિ માટે આશિર્વાદ રૂપ નેનો યુરીયા (પ્રવાહી) ખાતર ઉપર ખેડૂત ચર્ચા સભા

(ઇબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૩૦ :.. ખેડૂતોએ વાવેતર કરેલ વિવિધ ખેતીપાકોને પોષક તત્વ આપવા માટે યુરિયા ખાતર કે જે ૪પ થી પ૦ કીલોની બેગમાં ખેડૂતોએ લેવુ પડે છે. તેમાં નેનો યુરીયાનું સંશોધન થતા અને તેનું ઉત્પાદન કરવા ભારત સરકારે માન્યતા અને મંજુરી આપતા ભારતના જ નહી પણ ગ્લોબલ પ્રતિષ્ઠા ધરાવતી સહકારી સંસ્થા એટલે ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલીઝર્સ કો. ઓ. (ઇફકો) ન્યુ દિલ્હીએ દેશમાં સૌપ્રથમ નેનોયુરીયા ઉત્પાદન કરી લોંચ કરેલ છે. પ૦ કિલોની એક બેગ જેટલુ જ પોષણ પ૦૦ એમ. એલ. ની એક બોટલ નેનોયુરીયામાંથી મળશે. જેથી ખેડૂતોએ હવે ૪પ કે પ૦ કિલો વજનની થેલીઓ ઉપાડીને પાકને યુરીયા આપવાને બદલે પ૦૦ એમ. એલ. ની એક બોટલ લઇને ખેતરે જઇ શકશે.

રાસાયણીક ખાતરોનો વપરાશ ઘટાડવા કે વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે તજજ્ઞ ચીંતકો અપીલ કરે છે. તેને પણ આપોઆપ વેગ મળશે. ઉપરાંત દાણાદાર યુરીયાની એક થેલી કે બેગ પર સરકારને રૂ. ૧૦૦૦ આસપાસ સબસીડી ચુકવવી પડે છે તે પણ નહી ચુકવવી પડે. કેમ કે તેની પડતર કિંમત જ સબસીડી ન આપવી પડે તેવી રૂ. ર૪૬ જેવી છે. એટલે સરકારશ્રીને પણ વર્ષે અબજો રૂપિયાની સબસીડીનો બચાવ થશે.

ખેડૂતો, ખેતીની જમીન, ટ્રાન્સપોર્ટેશન અને સરકારશ્રી માટે અનુકુળ અને લાભદાયક એવા નેનો યુરીયાથી ખેડૂતો અને સહકારી સંસ્થાઓ માહીતગાર થાય તે માટે ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલીઝર્સ કો. ઓ. (ઇફકો) અને શ્રી આંબરડી સેવા સહકારી મંડળીના સંયુકત ઉપક્રમે એક ખેડૂત સમુહ ચર્ચાનું આયોજન આંબરડી ગામે ઇફકોના ડેલીગેટ અને એ. પી. એમ. સી. સાવરકુંડલાના ચેરમેન દિપકભાઇ માલાણીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ. જેમાં ઇફકોના ફિલ્ડ ઓફીસર કોયાણી ગુજકોમાસોલના લાયઝન શ્રી કિકાણીભાઇ, ભરતભાઇ મોરી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી શરદભાઇ ગૌદાની, સરપંચશ્રી બાબુભાઇ માલાણી, ઉપસરપંચ બાવચંદભાઇ ચોડવડીયા સહિત ગામના અગ્રણી ખેડૂતો અને આસપાસના ગામોના સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ - સભ્યશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ઇફકોના શ્રી કોયાણીએ નેનો યુરીયાના સંશોધનથી લઇ માન્યતા અને ઇફકોએ  શરૂ કરેલ ઉત્પાદન સુધીની પ્રક્રિયાની વિગતવાર માહીતી આપેલ. સાથે શ્રી અતુલભાઇ કિકાણીએ વિવિધ પાકો માટે પોશકતત્વો અને તેની પુરવણી માટે વૈજ્ઞાનિક ઢબે માહિતી આપી હતી.

પ્રમુખ સ્થાનેથી દિપકભાઇ માલાણીએ જણાવેલ કે આ નેનો યુરીયા એટલે કોઇપણ ચીજ કે વસ્તુનું સુક્ષમ વર્જન એ નેનો કહેવાય. તેવી રીતે આ યુરીયાનું સુક્ષમ વર્જન એટલે નેનો યુરીયા જેને કારણે ખેડૂતોએ હવે ખાતરની થેલીઓ ઉપાડીને લઇ જવાને બદલે એક થેલી જેટલુ જ કામ આપતી પ૦૦ એમ. એલ. ની એક બોટલમાં લઇ જવાની સરળતા વાળી સુવિધા મળશે. અને ધરતી માતાને પણ કેમીકલથી જે નુકશાન થાય છે તેનાથી બચાવી શકાશે.

ફોસ્ફેટીક ખાતરોમાં થયેલ ભાવ વધારાથી ખેડૂતોને બચાવવા તેનો કોઇ વચલો રસ્તો કાઢવા આ જિલ્લાના ખેડૂત પુત્ર એવા વા. ચેરમેન શ્રી ઇફકો અને ચેરમેન એન. સી. યુ. આઇ. દિલીપભાઇ સંઘાણીએ પહેલ કરી પ્રધાન મંત્રી સહિત ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવાથી સરકારશ્રીએ સબસીડી વધારી ખેડૂતોનો ઉપર ભાવ વધારો ન આવવા દીધેલ તે બદલ શ્રી દિલીપભાઇ સંઘાણીનો પણ આભાર વ્યકત કરેલ. ઇફકો એ ખેડૂતોએ બનાવેલી અને ખેડૂતોની પોતાની કહી શકાય તેવી સહકારી સંસ્થા છે. જે વિવિધ લેવલે નામ કાઢયું છે. આભારવિધી ગુજકો માસોલના લાયઝનશ્રી ભરતભાઇ મોરીએ કરેલ હતી.

(1:11 pm IST)