Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાષ્ટ્ર ધર્મથી મોટો કોઇ ધર્મ ન હોય શકે -પૂજય પારસમુનિ

વૈશ્વિક મહામારીનાં આવિકટ સમયમાં સર્વ નાગરિકો, સંતો, મહંતોનું આવશ્યક કર્તવ્ય છે કે ભારત સરકાર અને જે તે રાજય સરકારના કાયદાકીય નિયમોનું પાલન કરવું. ધર્મસ્થાનક, મંદિર, મસ્જિદ આદિ ખોલવાનો આગ્રહ રાખવો તે અતિ આગ્રહ બુધ્ધી છે. ભગવાન, અલ્લાહ, ઇશ્વર કોઇ સ્થાનમાં નહીં, હૃદયમાં વસે છે. કરોડો વર્ષ સુધી સ્થાનમાં શોધવાથી ભગવાન નહીં મળે, પણ એક મીનીટ અંતરમાં વસવાથી ભગવાન મળે છે. ગુજરાતીમાં કહેવત છે કે 'મારો વાલમો હાથવેંત' જયાં સુધી અંતર જાગરણ ન થાય ત્યાં સુધી મનુષ્યમાત્ર એક યંત્ર જ છે. મંદિર, મસ્જિદ ખોલવાની નહીં, હૃદયના દ્વાર ખોલવાની આ કપરા કાળમાં જરૂર છે. માણસાઇ, પ્રામાણિકતા, અદિ ગુણોનો વિકાસ કરી જીવનને જીવંત બનાવવાનો પરમાત્માએ અવસર આપ્યો છે.

જૈન સંઘોએ સામુહિક આરાધનાઓની પ્રવૃતિ બંધ રાખવી જોઇએ. સંતોએ પણ લોક સમુદાયથી દુર રહી પોતાના સંયમ જીવનનું પાલન કરવું જોઇએ. ધર્મ આગ્રહ બુધ્ધિમાં નહીં, પરંતુ વિવેક યુકત બુધ્ધિમાં છે. પરિસ્થિતિ પ્રમાણે વિવેકયુકત વ્યવહાર કરવો આવશ્યક છે. રાષ્ટ્રધર્મથી મોટો કોઇ ધર્મ ન હોય શકે રાષ્ટ્રની સુરક્ષામાં જ ધર્મની પંથની સુરક્ષા છે.

પર્યુષણ મહાપર્વની આરાધના દરેક શ્રાવક-શ્રાવિકાઓએ પોતાના ઘરે જ કરવી જોઇએ. ધર્મસ્થાનોમાં જવા માત્રથી જ ધર્મ ન થાય. ધર્મ કંઇ પાઘડી નથી કે પહેરી અને ઉતારી, ધર્મ તો ચામડી છે જે સદાય સર્વત્ર સાથે રહે છે.

વર્તમાન સમયે જે સંત-સતીજીને કોરોના પોઝીટીવ આવ્યો છે તે લોકસંપર્ક ના કારણે આવ્યો છે. માટે સોશ્યલ ડીસ્ટન્સીંગનું દરેકે પાલન કરવું.

જૈન સંઘોને વાર્ષિક ખર્ચનું ફંડ પર્યુષણમાં જ થતું હોય છે. તે સર્વ શ્રાવકોએ પોતાની જવાબદારી સમજીને સંઘના પદાધિકારીગણનો સંપર્ક કરી યોગ્ય આર્થિક દ્રવ્ય સંસ્થાને આપવું જોઇએ. શ્રીમંત શ્રાવકોના આર્થિક યોગદાનથી જ સંસ્થા ચાલતી હોય છે.

સર્વ સ્વસ્થ રહો સુખી રહો. આત્મભાવ પામો એ જ સ્પંદના.

-સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

(ગોંડલ સંપ્રદાય)

(2:57 pm IST)