Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

વિઠ્ઠલભાઈના માનમાં જામકંડોરણા-જેતપુર-વિરપુર બંધ

સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરોશોકઃ ધંધા-રોજગાર બંધ રાખીને સામુહિક શ્રધ્ધાંજલી અર્પણ

જેતપુરઃ આજે વિઠ્ઠલભાઈ રાદડિયાના માનમાં જેતપુર બંધ રહ્યુ હતુ (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)

રાજકોટ, તા. ૩૦ :. પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું અવસાન થતા ઘેરો શોક છવાઈ ગયો છે અને વિઠ્ઠલભાઈ માનમાં આજે જામકંડોરણા, જેતપુર, વિરપુર બંધ રહ્યા છે.

વિરપુર(જલારામ)

વિરપુરઃ સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂતના મસીહા એવા કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક છવાયો છે ત્યારે યાત્રાધામ વીરપુર જલારામ ધામમાં પણ સમસ્ત ગ્રામજનોએ શોક પાળ્યો. આજ સવારથી જ વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને શોક વ્યકત કર્યો હતો. સમસ્ત વીરપુર ગામ દ્વારા આજે સાંજે ૮ વાગ્યે પ્રાર્થના સભાનું પણ કરવામાં આવ્યું છે. જેમા પટેલ સમાજ ભવન વીરપુર ખાતે તમામ સમાજ લોકો દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રધ્ધાંજલિ અપાશે.

જેતપુર

જેતપુરઃ સૌરાષ્ટ્રના સાવજ કદાવર ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ જામકંડોરણા બાદ જેતપુરને પોતાની કર્મભૂમિ બનાવી અનેક કામો કર્યા. ધોરાજી રોડ પર હોટેલ જેવુ લેટેસ્ટ પટેલ સમાજ ભવન પાર્ટીપ્લોટ પોતાની દેખરેખ હેઠળ બનાવડાવેલ જે શહેર માટે કાયમી સંભારણુ બની ગયુ છે. ખેડૂતોના પ્રશ્ને પોતાની સરકાર સામે પક્ષ આંદોલન કરનાર ખેડૂતોના મસીહા તેમજ શહેરના ઉદ્યોગપતિઓ, વેપારીઓના પ્રશ્ને હરહંમેશ અગ્રેસર રહેતા.

ગરીબ દીકરીઓના પિતા બની સેવાકીય સંસ્થા સીટી કાઉન્સીલ મારફત અનેક દિકરીઓના કન્યાદાન કર્યા છે. લોકોના હૃદયમાં મુઠી ઉચેરૂ સ્થાન પામેલ વિઠ્ઠલભાઈનું લાંબી બિમારી બાદ નિધન થતા તેના સેવા કાર્યોનું ઋણ ચુકવવા શહેરની ચેમ્બર્સ ઓફ કોમર્સ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન સહિતની સંસ્થાઓએ વિઠ્ઠલભાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરવા આજરોજ સવારથી અડધો દિવસ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરાતા લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખેલ.

સરકારી શાળાઓ તેમજ માર્કેટીંગ યાર્ડ દ્વારા આજે સંપૂર્ણ બંધ પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પિતાના પગલે ચાલી રાજ્યના કેબીનેટ મંત્રી તરીકે સેવા બજાવતા જયેશભાઈ તેમજ તેમના પરિવારને પણ સાંત્વના આપવા શહેરના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ સહિતના લોકો જામકંડોરણા ખાતે પહોંચેલ.

(1:02 pm IST)