Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

કચ્છમાં અડધાથી અઢી ઇંચઃ ગોરંભાયેલુ વાતાવરણ

લોકોની મેઘરાજા ઉપર આશાભરી મીટઃ ભુજ, અંજાર, ગાંધીધામમાં એકંદરે વરસાદી માહોલ

ભુજ, તા.૩૦: કચ્છ જિલ્લામાં એક બાજુ દુષ્કાળ અને બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી સતત થઈ રહેલી વરસાદની આગાહીઓ વચ્ચે મેઘરાજાના રીસામણા!! પણ, આ વખતે આગાહી સાથે વાદળ છાયા વાતાવરણ વચ્ચે કચ્છમા ધીમી ધારે સાર્વત્રિક વરસાદે લોકોની આશાને ટકાવી છે. જોકે, ગુજરાતના અન્ય જિલ્લાઓની દ્રષ્ટિએ કચ્છમાં આંકડાકીય રીતે આ વરસાદ ઓછો જ છે, પણ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક રીતે કયાંક ઝરમર તો કયાંક ધોધમાર વરસાદને કારણે લોકોએ મેદ્યરાજા સામે આશાભરી મીટ માંડી છે કે હવે દુષ્કાળના દિવસો જશે.

છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડાઓ આ પ્રમાણે છે.

(૧) અબડાસા ૫૮ મીમી (સવા બે ઇંચ), (૨) માંડવી ૫૬ મીમી (સવા બે ઇંચ), (૩) મુન્દ્રા ૨૪ મીમી (એક ઇંચ), (૪) નખત્રાણા ૨૧ મીમી (પોણો ઇંચ), (૫) લખપત ૩૦ મીમી ( સવા ઇંચ), (૬) રાપર ૧૨ મીમી (અડધો ઇંચ) (૭) ભચાઉ ૧૨ મીમી (અંદાજે અડધો ઇંચ), (૮) લખપત ૨૧ મીમી (પોણો ઇંચ), (૯) અંજાર ૫ મીમી અને ભુજ ૨ મીમી બન્ને શહેરો માં માત્ર ઝરમર ઝરમર વરસાદ છે.

મુન્દ્રા-માંડવીના કંઠી પટના ગામડાઓના વીડીયોએ સોશ્યલ મીડીયામાં ધૂમ મચાવી

આ વખતે કચ્છમાં વરસાદ ભાદરવા જેવો છે. કોઈ જગ્યાએ વધુ તો કોઈ જગ્યાએ ઓછો અને કયાંક માત્ર ઝરમર ઝરમર!! આજે મુન્દ્રા માંડવીના કંઠી પટ ના ગામડાઓના વરસાદના સમાચારો જાણવા સતત લોકો ઉત્સુક હતા. અનેક ગામડાઓ ભુજપુર, બેરાજા, રામાણીયા, દેશલપુર, નાની ખાખર, બીદડા માંઙ્ગ થોડીવાર પડેલા ધોધમાર વરસાદે લોકોને ખુશ કરી દીધા હતા. તો, વરસાદના આ વીડીયો કલીપીંગ્સ સોશ્યલ મીડિયામાં સતત ફરતા રહ્યા હતા. એ સિવાય વાગડના ભચાઉ તેમ જ રાપરના વરસાદના વીડિયો સતત સોશયલ મીડિયામાં ફરતા રહ્યા હતા. જોકે, દ્યણી જગ્યાએ વધુ વરસાદના સાચા ખોટા સમાચારો અને જૂના વીડીયો કલીપીંગ્સ પણ ચર્ચામાં રહ્યા હતા. પણ, એકંદરે વાત કરીએ તો આ વખતે પ્રથમ વાર કચ્છમાં સાર્વત્રિક વરસાદી માહોલ બન્યો છે. દસે દસ તાલુકાઓમાં વાદળ છાયો માહોલ છે, ગરમીની જગ્યાએ ઠંડુ વાતાવરણ છે, અને ઝરમર ઝરમર વરસાદ સાથે મેદ્યરાજાએ લોકો માં આશા જગાવી છે, કે આ વખતે આગાહી સાચી પડે તેવું લાગે છે. સાથે સાથે કચ્છ અને કચ્છ બહાર રહેતા કચ્છી માડુઓએ પણ વરુણદેવને પ્રાર્થના કરી છે કે હવે આ વખતે મન મુકીને વરસજો. અને હા, લાખો લોકોની પ્રાર્થના સાંભળીને મેદ્યરાજા કચ્છ ઉપર મન મુકીને વરસશે જ !!!

(11:51 am IST)