Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પેટ્રોલના ભાવ આસમાનેઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવનો ઠેર ઠેર વિરોધ

પાટડીમાં બળદગાડા લઈને વિરોધઃપોલીસ દ્વારા અટકાયત

સુરેન્દ્રનગર,તા.૩૦ : ભાજપ જયારે વિપક્ષમાં હતો અને મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલ ૧૪૦ ડોલરે આસમાને હતું તેમ છતાં જે તે વખતે કોંગ્રેસની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં રાખ્યા હતા. ૬૦ થી ૬૫ રૂપિયે પેટ્રોલ અને ૫૫ રૂપિયે ડીઝલ મળતું હતું. પરંતુ સત્તાની લાલચમાં જનતાને ભરમાવી ''બહુત હુઈ મહંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર''  આવા સુત્રો આપ્યા હતા અને ભાષણોમાં ૩૫ રૂપિયે પેટ્રોલ આપવાના વચનો આપ્યા હતા.

હવે આજે મોદી સાહેબ કેન્દ્રમાં સત્તામાં આવ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલ ફકત ૪૦ ડોલરમાં મળી રહ્યું છે ત્યારે આજે પેટ્રોલ અને ડીઝલ ૮૦ રૂપિયા થઇ ગયું છે. આંખમાં આંખ મિલાવી, લાલ આંખ કરવાની શેખી મારવા વાળા આજે આત્મનિર્ભરતાની વાતો કરતા કરતા આત્મસમર્પણ સુધી પોહચી ગયા છે.

ભારત દેશમાં કયારેય કોઈએ સ્વપનામાં પણ નહિ વિચાર્યુ હોઈ કે પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થઇ જશે. આપણને તાળીઓ અને થાળીઓમાં ગુચાવીને દેશની જનતાને અમાપ પીડા ભોગવવા લાચાર અને મજબુર અવસ્થામાં છોડી દીધી છે. છેલ્લા ૨૨ દિવસમાં ૧૨ રૂપિયા ડીઝલમાં અને ૧૦ રૂપિયા પેટ્રોલમાં ભાવ વધારો ઝીંકી દીધો અને તોય નિર્લજ્જ અને નફટ લોકો ટીવી કેમેરા સામે હસતા મોઢા લઈને આપણી મશ્કરી કરવા આવી જાય છે તેનો વિરોધ કરવા કાલે પાટડી ખાતે બળદ ગાડામાં નીકળી સજ્જડ વિરોધ કાર્યક્રમ આપ્યો. જનતાનો અવાજ દબાવી દેવા પોલીસને આગળ કરી અમારી અટકાયત કરવામાં આવી. પરંતુ હવે આ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.

સમગ્ર કાર્યક્રમમાં દસાડા તાલુકા કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ સમિતિ, વિવિધ સેલ અને ડીપાર્ટમેન્ટના કાર્યકર્તાઓ અને તાલુકાના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા.

(1:55 pm IST)