Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કચ્છમાં ટોળાનો કાશ્મીરી સ્ટાઇલથી પોલીસને ઘેરીને પથ્થરમારો

કચ્છમાં ખનીજ ચોરો બેફામઃ ખાવડા પાસે પોલીસ ઉપર ઘાતક હુમલોઃ પીએસઆઈ સહિત ૫ ઘાયલ, ૨ ગંભીરઃ ખનીજ માફિયાઓ, બુટલેગરો, શિકારીઓ, ભુમાફિયાઓ બેલગામ, વારંવાર થતાં હુમલા પાછળ પોલીસનું શરૂઆતનું 'ઢીલું' અને 'સહકારી' વલણ જવાબદાર

તસ્વીરમાં ઇજાગ્રસ્તો નજરે પડે છે (તસ્વીરઃ વિનોદ ગાલા ભુજ)

ભુજ,તા.૩૦: ખાવડા નજીક જુણા ગામ પાસે ખનીજ માફિયાઓએ પોલીસ પાર્ટી ઉપર કરેલા ઘાતક હુમલાએ ચકચાર સર્જી છે. ગઈકાલે રાત્રે બનેલા આ બનાવમાં પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓને ઈજાઓ થઈ છે.

જેમાં બે ની હાલત ભારે ગંભીર છે. કચ્છ જેવા સરહદી જિલ્લામાં પોલીસ પાર્ટી ઉપર બનેલ ઘાતક હુમલાની ગંભીરતા નેતાઓ અને સરકારની બંધ આંખો ખોલે તે જરૂરી છે. પોલીસ ઉપર બનેલ હુમલાના આ સમગ્ર બનાવની મળતી વિગતો પ્રમાણે ગઈકાલે રાત્રે ૮ વાગ્યાના સુમારે જુણા ડુંગર ઉપર અંદરના ભાગે આવેલ પથ્થરની ખાણ ઉપર ખાવડા પીએસઆઇ યુવરાજસિંહ જાડેજા અને ટીમ પગી સાથે પગપાળા પહોંચી હતી. ખાવડાના કાળા ડુંગરને અડીને આવેલા જુણા ડુંગરમાંથી પથ્થર ચોરીને તેનો વપરાશ ઘડુલી સાંતલપુર રોડ બનાવવા કરાઈ રહ્યો છે.

લાંબા સમયથી ચાલતી ખનિજચોરીની આ ગેરકાયદે પ્રવૃત્ત્િ।ની તપાસ માટે પહોંચેલી પોલીસ ટીમ હજીયે કાંઈ કામગીરી કે પૂછપરછ કરે તે પહેલાં જ ખનીજ માફિયાઓએ ટોળે વળીને પોલીસ ટીમ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ફરિયાદમાં પોલીસે પોતે જણાવ્યાનુસાર સો થી દોઢસો જણાના ટોળાએ કાશ્મીર સ્ટાઈલથી ઝનૂનપૂર્વક કરેલા પથ્થરમારાથી પીએસઆઇ યુવરાજસિંહ જાડેજા અને કોનસ્ટેબલ મહિપતસિંહ જાડેજાના માથા ફાટી ગયા હતા. તો, હે.કો. માણશી ગઢવી, ડ્રાઈવર કેસરભાઈ અને પગી રાયબજીને પણ ભારે ઈજાઓ થઈ હતી.

પોલીસ પાર્ટી ઘાયલ થઈ પછી પણ ઘાતકતા સાથે ટોળાએ પથ્યરો વરસાવ્યા હતા. માંડ માંડ ઇજાગ્રસ્તો ખાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા હતા. જયાંથી ગંભીર રીતે ઘવાયેલાઓ પીએસઆઈ યુવરાજસિંહ અને કોન્સ્ટેબલ મહીપતસિંહને મોડી રાત્રે ભુજ મધ્યે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ પાર્ટી ઉપર થયેલા ઘાતક હુમલા બાદ ડીએસપી સૌરભ તોલંબિયા અને ડીવાયએસપી જયેશ પંચાલ સહિતનો પોલીસ કાફલો ખાવડા ધસી ગયો છે.

ગેરકાયદે પ્રવૃતિઓ કરતા અસામાજિક તત્વો સામે પોલીસના 'ઢીલું' અને 'સહકારી' ભર્યા વલણને પગલે કચ્છમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો છે. કયાંક રાજકીય ઈશારે તો કયાંક ભ્રષ્ટાચારને પગલે પોલીસ ઢીલી અને નબળી પડી છે તે કડવી વસ્તવિકતા છે. જોકે, અત્યારે કચ્છમાં બેખોફ બનેલા ખનીજ, ભુ અને માફિયાઓ, બુટલેગરો તેમ જ શિકારીઓ સામે આઈજી સુભાષ ત્રિવેદીના આવ્યા પછી કડકાઈભર્યા પગલાં ભરાઈ રહ્યા છે.

(11:33 am IST)