Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

હળવદના સુરવદર ગામે નર્મદાનું પાણી બંધ થતાં લોકોને ક્ષારવાળુ પાણી પીવુ પડે છે

 હળવદ,તા.૩૦: ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે, સબ સલામત હોવાના દાવાઓ કરતાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સુરવદર ગામને પીવાલાયક પાણી ન પહોચાડતા ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો ગ્રામજનો ક્ષારયુકત પાણી પીવા મજબુર બન્યા છે.

હળવદના સુરવદર ગામે પિવાલાયક પાણી માટે ગૃહિણીઓને કિલોમીટર સુધી ભટકવું પડે છે. ગામમા પીવા માટેના પાણીનો બોર તો છે પરંતુ બોરમાથી નીકળતુ પાણી ક્ષાર વાળુ હોવાથી ગ્રામજનોને પથરી થવાનો ભય સતાવી રહ્યો છે. પાઇપલાઇનથી નર્મદાનું પાણી આપવામા આવતુ હતુ પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી એમા પણ ધાંધીયા થતા ગામલોકો ક્ષારયુકત પાણી પીવા મજબુર બન્યા છે. જેથી, ગામના બોરનુ પાણી પીવાથી ગામ લોકોને ચામડી, સાંધાના દુૅંખાવા તેમજ પથરી જેવા રોગો થવાનો ભય સતાવી રહ્યો છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે જવાબદાર તંત્રને રજુઆત કરવા છતાં તંત્ર દ્ઘારા ગામમા પીવાલાયક પાણીની વેવસ્થા કરવામાં નથી આવતી તો બીજી તરફ ગામની મહિલાઓ ગામમાં આવેલ કુવામાંથી પાણી ખેંચી રહી છે પરંતુ કુવાનું પાણી પણ પીવાલાયક ના હોવાનું જણાવી રહી છે.

ગામમાં આવેલ પાણીની ટાંકી અતિ જર્જરિત : દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. સુરવદર ગામમાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે હાલ ગામમા જે ક્ષાર યુકત બોરનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તે પાણીની ટાંકી પણ અતિ જર્જરિત હાલતમાં છે. આ પાણીની ટાંકી પરથી અવારનવાર પોપડાઓ ખરી રહ્યા છે. જેથી, ગ્રામજનો જણાવી રહ્યા છે કે આ પાણીની ટાંકી કયારેક મોટી દુર્ઘટના સર્જે તે પહેલા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે..

(11:46 am IST)