Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

મોરબીમાં હિજરતીઓ માટે ફાળવેલી ૩ એકર જમીન પરના દબાણો તંત્રએ હટાવ્યા

મોરબી, તા.૩૦:  મોરબીના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોય જે મામલે આજે મામલતદાર અને ટીડીઓની ટીમે પોલીસને સાથે રાખીને પાંચ મકાનો તેમજ કાર સર્વિસ ગેરેજ તથા ઈંટના ભઠ્ઠી સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં અવારનવાર સરકારી જમીનો પર દબાણ થયાનું અગાઉ પણ ખુલ્યું છે ત્યારે તાજેતરમાં વાવડી ગામથી હિજરત કરી આવેલા લોકોને પ્લોટ ફાળવવા માટે મંજુર કરાયેલી ૩ એકર સરકારી જમીનમાં અમુક તત્વોએ પેશકદમી કરી હતી અને આ જમીન પર કાચા મકાનો ખડકી દેવાયા હતા જેને પગલે આજે મામલતદાર અનીલ ગોસ્વામી, ટીડીઓ પી એ ગોહિલની ટીમે તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની ઝુંબેશ આદરી હતી અને સરકારી જમીન પર ખડકી દેવાયેલ પાંચ મકાનો, કાર વોશિંગ ગેરેજ અને ઈંટની ભઠ્ઠી સહિતના દબાણો પર સરકાર બુલડોઝર ફેરવી દઈને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

(1:19 pm IST)