Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સુરેન્દ્રનગરમાં રતનપર-જોરાવરનગર રિવર ફ્રન્ટ માટે ૪ર કરોડની દરખાસ્ત

પાલિકા પ્રમુખ વીપીન ટોલીયા દ્વારા મુખ્યમંત્રીને કરાયેલ રજુઆત સફળ

વઢવાણ તા. ૩૦ : અહીની ભોગાવો નદી કાંઠે  રતનપર ત્થા જોરાવરનગરના કાંઠાઓ ઉપર રીવર ફ્રન્ટ મંજુર કરવા અંગે નગરપાલિકા પ્રમુખ વીપીન ટોલીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરેલી રજુઆતની સફળતાના ભાગરૂપે આ ઉપર ફ્રન્ટ માટે રૂ.૪ર.પ૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્તનો ખાસ કિસ્સાના પ્રોજેકટ તરીકે મંજુર કરાઇ છે.

આ અંગે વીપીનભાઇએ મુખ્યમંત્રીશ્રીને કરેલી રજુઆતમાં જણાવેલ કે દુધરેજ નગરપાલીકા વિસ્તારમાં ભોગાવો નદી કાંઠે રીવરફ્રન્ટની સુરેન્દ્રનગર બાજુ પ્રથમ તબકકા તરીકે આર્ટસ કોલેજથી મીલ રોડ સુધી કામગીરી પૂર્ણ થયેલ છે અને મીલ રોડથી જીલ્લા પંચાયત સુધી મંજુર કરી વર્ક ઓર્ડર આપેલ છે. આપશ્રીની સુરેન્દ્રનગરની મુલાકાત દરમ્યાન ચર્ચા થયા મુજબ રતનપર-જોરાવરનગર બાજુ રીવરફ્રન્ટની કામગીરી કરવા યોગ્ય છે. તે અનુસંધાને તે કામનો પ્રાઇમરી રીપોર્ટ તૈયાર કરાવેલ છે. જેમાં અંદાજે ૩.ર કી.મી.ની લંબાઇમાં અંદાજે રૂ.૪ર.પ૦ કરોડનો અંદાજીત ખર્ચ થાય એમ છે. સદર પ્રોજેકટથી શહેરમાં ટ્રાફીકના પ્રશ્નોનો કાયમી નીકાલ થાય તેમજ શહેરમાંથી પસાર થતા ભોગાવો નદીના બ્યુટીફીકેશન થાય તેમ છે. જેથી આપ સાહેબને સદર પ્રોજેકટને ખાસ કિસ્સા તરીકે મંજુરી આપવા તેમજ તે અંગે જરૂરી ગ્રાંટ ફાળવવા વિનંતી છે.

દરમિયાન આ રજુઆતમાં અનુસંધાને ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડ દ્વારા ઉપરોકત રિવરફ્રન્ટ માટે ૪ર.પ૦ કરોડની ગ્રાન્ટ ખાસ કિસ્સાના પ્રોજેકટ તરીકે ફાળવવાની દરખાસ્ત મંજુર કર્યાનો પત્ર મ્યુનિસીપલ એડમીનેસ્ટ્રેટરે નગરપાલીકા ચીફ ઓફીસરને પાઠવી પ્રોજેકટ મંજુર થયાની જાણ કરી હતી.

(1:18 pm IST)