Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં અભુતપૂર્વ ભાવવધારો ૧ જૂનથી જિલ્લાના દૂધ ઉત્પાદકોને મળશે કિલોફેટે રૂ.૬૫૫

ભાવનગર તા.૩૦: ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષ સ્થાને નિયામક મંડળની મીટીંગ મળી જેમાં તમામ ઠરાવો સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યા. દૂધના ખરીદ ભાવ અંગે ચર્ચા થતા હાલ જે ૬૧૫/- કિલોફેટે ચુકવાય રહ્યા છે તેમાં રૂ.૪૦ વધારો કરી તા.૧-૬-૨૦૧૯થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ.૬૫૫ કરવામાં આવેલ છે. આમ ચોથી વખત ભાવ વધારવાનો નિર્ણય સર્વોત્તમ ડેરીના નિયામક મંડળ દ્વારા કરવામાં આવેલ છે. નિયામક મંડળ દ્વારા ગરમીની સીઝનમાં પાણીની તથા ઘાસચારાની અછત, ઘાસચારા તેમજ ખાણદાણની મોંઘાઇને ધ્યાનમાં લઇને રૂ.૪૦નો વધારો કરવામાં આવેલ છે. ગત વર્ષે જૂન ૨૦૧૮માં કિલોફેટનો ભાવ રૂ.૬૦૫ હતો તેની સરખામણીએ રૂ.૫૦ કિલોફેટે આ વર્ષે વધારી રૂ.૬૫૫ કરવામાં આવેલ છે.

આ ભાવવધારાથી સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને દરરોજ અંદાજીત ૮ થી ૯ લાખ વધારે મળશે. આમ સામાન્ય રીતે દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવે તો દૂધ ઉત્પાદકોને પશુપાલન વ્યવસાયમાં આર્થિક વળતર વધારે મળતુ થાય તેવા શુભ ઉદ્દેશથી ભાવવધારો કરેલ છે. સર્વોત્તમ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ભાવવધારાના નિર્ણયથી દૂધ ઉત્પાદકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

આમ સર્વોત્તમ ડેરી હંમેશા દૂધ ખરીદીમાં અને ભાવ ચુકવવામાં અગ્રેસર રહી છે.

(11:47 am IST)