Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ધોરાજીની બોલેરો બે કારને ઠોકરે લઇ ઉંધી વળી ગઇઃ પીજીવીસીએલના ડે. એન્જિનીયર સહિત પાંચ ઘવાયા

હડાળા અને કાગદડી વચ્ચે મોડી રાત્રે બનાવઃ તમામનો નજીવી ઇજા સાથે બચાવ

હડાળા અને કાગદડી વચ્ચે મોડી રાત્રે બનાવઃ તમામનો નજીવી ઇજા સાથે બચાવ ત્રણેય અકસ્માતગ્રસ્ત વાહનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: કુવાડવા તાબેના હડાળા અને કાગદડી વચ્ચેના માર્ગ પર ડાયવર્ઝન પાસે રાત્રીના સવા બારેક વાગ્યે ધોરાજીથી માંડવી તરફ જઇ રહેલી બોલેરો ગાડીના ચાલકે કોઇ કારણોસર કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી બ્રાવીઓ કાર અને અલ્ટો કારને ઠોકરે લીધા બાદ ઉંધી વળી ગઇ હતી. આ ટ્રીપલ અકસ્માતમાં ધોરાજી પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિીનયર, કોન્ટ્રાકટર તથા સામેની કારમાં બેઠેલા ત્રણ લોકોનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં થયેલી નોંધ મુજબ રાત્રીના સવા બારેક વાગ્યે હડાળા કાગદળી વચ્ચે અકસ્માત સર્જાતા ધોરાજીના મોટી મારડ ગામે રહેતાં રવિભાઇ દિનેશભાઇ બોદર (ઉ.૨૨) તથા ધોરાજી જીઇબી કવાર્ટરમાં રહેતાં ગર્વીશભાઇ હરિશભાઇ ચોૈધરી (ઉ.૩૪)ને ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતાં. તેમજ અન્ય કારમાં બેઠેલા મોરબીના ખાખરાળાના અશ્વિન ભુદરભાઇ વણોલ (ઉ.૨૬), મોરબી ઇન્દિરાનગરના મુકેશ નાનજીભાઇ મકવાણા (ઉ.૩૫) અને હંસરાજભાઇ પોપટભાઇ સાગઠીયા (ઉ.૪૨)ને પણ ઇજા થતાં રાજકોટ સિવિલમાં સારવાર લીધી હતી.

કુવાડવા પોલીસને જાણ થતાં હેડકોન્સ. હમીરભાઇએ હંસરાજભાઇની ફરિયાદ પરથી બોલેરો નં. જીજે૩બીવી-૭૨૧૧ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. તેના ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી હંસરાજભાઇ સહિતના બેઠા હતાં અને બ્રાવીઓ કારને ઠોકરે લીધા બાદ પાછળ આવી રહેલી અલ્ટોને પણ ઠોકરે લીધી હતી અને બાદમાં પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં પાંચને ઇજા થઇ હતી.

વધુ માહિતી મુજબ ઘવાયેલા ગર્વિશભાઇ ચોૈધરી ધોરાજી પીજીવીસીએલના ડે. અન્જિનીયર છે. તેઓ અને કોન્ટ્રાકટર રવિભાઇ બોદર સહિતના ધોરાજીથી માંડવી જવા નીકળ્યા હતાં અને અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરનો બચાવ થયો હતો. જ્યારે બ્રાવીઓ કારમાં બેઠેલા મોરબીના ત્રણ લોકો રાજકોટ આવી રહ્યા હતાં. હંસરાજભાઇ કાર ચલાવી રહ્યા હતાં. તેના કહેવા મુજબ ડાયવર્ઝન હોઇ પોતે એકદમ સાઇડમાં કાર હંકારતા હતાં ત્યારે અચાનક બોલેરો ફૂલ સ્પીડથી આવી હતી અને પોતાની કાર સાથે અથડાયા બાદ પાછળની અલ્ટોને ઠોકરે લઇ પલ્ટી ખાઇ ગઇ હતી. તમામને સિવિલમાં પ્રાથમિક સારવાર આપી રજા અપાઇ હતી. (૧૪.૬)

(3:53 pm IST)