Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સુરેન્દ્રનગરના વોર્ડ નં.૧ના વિવિધ વિસ્તારમાં રસ્તા-પાણીની સમસ્યાઃ દેકારો

વિસ્તારવાસીઓ દ્વારા ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર, તા.૩૦: સુરેન્દ્રનગર વોર્ડ નંબર ૧માં આવેલી વિહત પાર્ક સોસાયટીમાં બિસ્માર રસ્તા અને અપુરતા પાણી વિતરણથી રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા કચેરીએ ઘસી આવી હતી. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ઉબડખાબડ રસ્તાના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સુરેન્દ્રનગરમાં જીયુડીસી દ્વારા પાણીની નવી લાઇન નાંખવા માટે ઠેર ઠેર રસ્તાઓ ખોદી દેવાતા જનતા તોબા પોકારી ગઇ છે. વિહત પાર્ક સોસાયટીમાં અંદાજે ૭૫થી વધુ મકાનોમાં ૪૫૦થી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં એક વર્ષ પહેલા રસ્તાનું ખોદકામ કર્યા બાદ આજ દિવસ સુધી નવા રસ્તાઓ બનાવાવમાં આવ્યા નથી. જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા કચેરીએ ઘસી આવી હતી. જયાં પાલિકાના અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું કે હવે ચોમાસાનો સમય નજીક છે ત્યારે એક વરસાદ આવ્યા બાદ અમારા વિસ્તારમાં ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બની જાય તેમ છે. ચોમાસામાં બાળકોને શાળાએ મોકલવા રિક્ષા સહીતના વાહનો પણ સોસાયટીમાં આવતા નથી. નવી લાઇન નાંખી હોવા છતાં આજ દિવસ સુધી પાણી પણ મળતું નથી ત્યારે પાલિકા દ્વારા તાત્કાલીક રસ્તા અને પાણીની સુવિધા આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું કે જીયુડીસી દ્વારા પાણીની લાઇનનું ટેસ્ટીંગનું કામ પુર્ણ કર્યા બાદ તાત્કાલીક રસ્તા બનાવવા કોન્ટ્રાકટરને સુચના અપાઇ છે.

(11:45 am IST)