Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

જેતપુરના મામા-ફઇના ભાઇ-બહેને સાથે એસિડ પી લીધા બાદ કૂવામાં ઝંપલાવ્યું: બંનેનો બચાવ

દેવીપૂજક યુવાન અતુલ મકવાણા (ઉ.૨૦) કહે છે તેને મામાની દિકરી કોમલ સાથે પ્રેમ છેઃ બંને રાજકોટ ફરવા જવા નીકળ્યા ને રસ્તામાં ઝઘડો થતાં પગલું ભર્યુઃ કોમલ કહે છે-અતુલે બળજબરીનો પ્રયાસ કરતાં તેને અટકાવતાં મને એસિડ પીવડાવી દઇ કૂવામાં ધકેલી દીધી'તી!: કોમલે કૂવામાં પાણીની મોટર પર ઉભી રહી બૂમો પાડતાં લોકોએ પોલીસ અને ૧૦૮ બોલાવતાં બચી ગઇઃ અતુલ કહે છે-મેં જ કોમલને પાણીમાંથી મોટર પર ચડાવી દીધી'તી

રાજકોટ તા. ૩૦: જેતપુરમાં રહેતાં દેવીપૂજક યુવાને તેના મામાની દિકરી સાથે જેતપુરમાં કેનાલ પાસે વાડી વિસ્તારમાં સજોડે એસિડ પી લીધા બાદ બંનેએ કૂવામાં ઝંપલાવતાં અને બાદમાં યુવાને જાતે બહાર નીકળી જઇ બીજા લોકોને બોલાવી પોલીસ અને ૧૦૮ને જાણ કરી મામાની દિકરીને પણ બચાવી લેતાં બંનેને સારવાર માટે દાખલ કરાયા છે. યુવાનના કહેવા મુજબ બંને વચ્ચે પ્રેમ હોઇ ફરવા જવા માટે નીકળ્યા હતાં. રસ્તામાં વાતો કરવા બેઠા ત્યારે ઝઘડો થતાં બંને એસિડ પી ગયા હતાં અને કૂવામાં કૂદી ગયા હતાં. જો કે છોકરીએ એવું કહ્યું હતું કે બળજબરીનો પ્રયાસ કર્યા બાદ ફઇના દિકરાએ પરાણે એસિડ પાઇ દીધું હતું અને કૂવામાં ધકેલ્યા બાદ પોતે પણ કૂદી પડ્યો હતો!

ઘટનાની વિગત જોઇએ તો જેતપુર અમરનગરમાં રહેતો અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતો અતુલ રમેશભાઇ મકવાણા (ઉ.૨૦) તથા જેતપુરમાં જ રહેતાં તેના કોૈટુંબીક મામાની ૧૫ વર્ષની દિકરીએ ગઇકાલે બપોર બારદ જેતપુર કેનાલ નજીક વાડી વિસ્તારમાં એસિડ પી લેતાં બંનેને જેતપુર, જુનાગઢ સારવાર અપાવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે જેતપુર પોલીસને જાણ કરી હતી.

સવારે ભાનમાં આવેલી ૧૫ વર્ષની સગીરાએ કહ્યું હતું કે તે બપોરે બ્યુટી પાર્લરના કલાસમાં જતી હતી ત્યારે કોૈટુંબીક ફઇનો દિકરો અતુલ આવ્યો હતો અને રાજકોટ ફરવા જવાની વાત કરતાં પોતે બેસી ગઇ હતી. રસ્તામાં કેનાલ પાસે વાડી વિસ્તારમાં વાતો કરવા રોકાયા બાદ તેણે બળજબરીનો પ્રયાસ કરતાં તેને અટકાવતાં નજીકની દૂકાનેથી સંડાસ સાફ કરવાનું એસિડ લાવ્યો હતો અને પરાણે પીવડાવી દઇ બાદમાં વાડીના કૂવામાં ધકેલી દીધી હતી. અંદર પાણી ભરેલુ હતું, પોતે પાણીની મોટર પર ચડી ગઇ હતી અને બાદમાં પોલીસ તથા ૧૦૮ના સ્ટાફે બહાર કાઢી હતી.

બીજી તરફ અતુલ મકવાણાએ એવું કહ્યું હતું કે તેને સગીરા સાથે પ્રેમ છે. બંને રાજકોટ ફરવા જવા નીકળ્યા હતાં અને રસ્તામાં વાતો કરવા બેઠા ત્યારે ઝઘડો થતાં સાથે મરી જવાનું નક્કી કરી પોતે નજીકમાંથી એસિડની બોટલ લાવ્યો હતો. બે બોટલમાં અડધુ-અડધુ કર્યુ ત્યાં સગીરા પી ગઇ હતી અને કૂવામાં કૂદી ગઇ હતી. પોતે પણ એસિડ પી ગયો હતો અને પાછળ છલાંગ મારી દીધી હતી. પાણી ભરેલુ હોઇ સગીરા ડુબવા માંડી હતી. પોતાને તરતા આવડતું હોઇ પોતે તેને ડૂબતી જોઇ ન શકતાં ધક્કો દઇ પાણીની મોટર ઉપર ચડાવી દીધી હતી. પોતે બાદમાં જાતે જ કૂવામાંથી બહાર આવ્યો હતો અને થોડે આગળ જઇ ચક્કર આવતાં પડી ગયો હતો.

દરમિયાન કેટલાક લોકો આવતાં તેને બનાવની વાત કરતાં એ લોકોએ પોલીસ અને ૧૦૮ને બોલાવી હતી અને કૂવામાં પાણીની મોટર પર બેઠેલી સગીરાને બહાર કાઢી હતી. એ પછી બંનેને દવાખાને લઇ જવાયા હતાં. બંને વચ્ચે નજીવી વાતે ઝઘડો થતાં મરી જવાના ઇરાદે સાથે એસિડ પી કૂવામાં કૂદી ગયાનું અતુલે કહ્યું હતું. જેતપુર પોલીસે આ બંનેમાંથી કોની કેફીયત સાચી? તે જાણવા તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)