Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

મહિલા સશકિતકરણનું ઉત્કૃષ્ટ કાર્ય

મહિલા સરપંચો સંદર્ભે સંશોધન બદલ ગૌરવવંતો એવોર્ડ મેળવતા પ્રો.રમેશ મકવાણા

ગુજરાતના આદિવાસી જિલ્લાઓના ૩૦૦ મહિલા સરપંચો ઉપર તલસ્પર્શી અને ઉપયોગી સંશોધન બદલ એસ.પી.યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષે પૂ.મોરારીબાપુના વરદ્દ હસ્તે 'સોશ્યલ એકટીવિસ્ટ એવોર્ડ' પ્રાપ્ત કર્યો

રાજકોટ તા.૩૦ : તાજેતરમાં શ્રી અંબિકા આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા સાંગણા, તા. તળાજા, જી.ભાવનગર ખાતે શ્રી મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. રમેશભાઇ મકવાણાએ ગુજરાતના આદિવાસી જિલ્લાઓના ૩૦૦ જેટલા મહિલા સરપંચો ઉપર તલસ્પર્શી તથા ઉપયોગી સંશોધન બદલ પૂ. મોરારીબાપુના હસ્તે 'સોશ્યલ એકટીવિસ્ટ એવોર્ડ' મેળવ્યો હતો.

મૂળ જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાનાં ખંભાળિયા ગામના પ્રો. રમેશ મકવાણાએ ગુજરાતનાં આઠ આદિવાસી જિલ્લા જેવા કે ડાંગ, સુરત, પંચમહલા, નર્મદા, દાહોદ, તાપી, નવસારી અને ભરૂચના ૩૦૦ મહિલા સરપંચો પર સંશોધન કાર્ય કર્યુ છે. તેમાં આદિવાસી મહિલા સરપંચોના પ્રશ્નો-પડકારો જાણી અને તેના ઉકેલની દિશા બતાવવામાં પ્રભાવક કાર્ય કર્યું છે. એટલું જ નહીં આ મહિલા સરપંચો શૌચાલય અને સ્વચ્છતા અંગે સભાન થાય તથા આ અંગેની સરકારની યોજનાઓ ગામડા સુધી પહોંચાડે તે માટે સતત માર્ગદર્શન આપવામાં મહત્વની કામગીરી કરી રહ્યા છે. પરિણામે અનેક આદિવાસી મહિલા સરપંચોએ પોતાના ગામમાં શૌચાલયની યોજનાનો લાભ ગામ લોકોને અપાવ્યો છે.

મહિલા સરપંચોમાં રાજકીય સુઝબુઝ, સમજણ અને સભાનતામાં વધારો કરવામાં તથા પંચાયતમાં વિચાર વિમર્શ, તાલીમ, નિર્ણયો અંગેની જાગૃતિ વિકસાવવામાં આ સંશોધને મહત્વનો ફાળો આપ્યો છે. ગ્રામીણ મહિલા નેતૃત્વને ગતિશીલ બનાવવામાં, તેને વિકાસાભિમુખ બનાવવામાં અને તેમનામાં તટસ્થતા, પ્રમાણિકતા અને બુદ્ધિપૂર્વકના આયોજન કરવા મહત્વના સૂચનો થકી પંચાયતક્ષેત્રે કાર્યરત મહિલા સરપંચોના સશકિતકરણમાં મહત્વનું યોગદાન આ સંશોધન દ્વારા પ્રાપ્ત થશે તેવો આશાવાદ વ્યકત કરાયો છે.

પ્રો.મકવાણાનું સૌથી મૂલ્યવાન યોગદાન એ છે કે ગુજરાતનાં અનેક યુવાનોમાં નશામુકિત, કુરિવાજો નાબૂદી, દહેજપ્રથા નાબૂદી અને બેટી-બચાવો અંગે લોક જાગૃતિ ફેલાવવામાં તેઓએ ભગીરથ કાર્ય કર્યું છે.

શિક્ષણ ક્ષેત્રે પ્રો.મકવાણા નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના ર૦ પુસ્તકો અને પ૦ શોધ લેખો પ્રકાશિત થયેલ છે. ૧૦પ સંશોધન પેપરો કોન્ફરન્સોમાં રજૂ કરેલ છે. ૬ સંશોધન પ્રોજેકટ પૂર્ણ કર્યા છે. તેમના માર્ગદર્શનમાં ૪પ વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્યપદ અને સેવા બજાવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતના આ પ્રતિભા સંપન્ન પ્રોફેસરને તેમની સમાજ સેવા બદલ ગુજરાત સરકારે આંબેડકર એવોર્ડ અને એક લાખ રૂપિયાથી સન્માનિત કરેલ છ.ે દિલ્હીથી ભારત શિક્ષા રત્ન એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ દિલ્હીથી, ઉદયપુરથી સમાજ વૈજ્ઞાનિક એવોર્ડ, મુંબઇથી બેસ્ટ ટીચર્સ એવોર્ડ, ભાવનગરથી મહારાજા વિરભદ્રસિંહ એવોર્ડ તથા ગુજરાત અને ભારતની અનેક પ્રતિષ્ઠિત સ્વૈચ્છિક સંસ્થાઓએ એવોર્ડથી સન્માનિત કર્યા છે .ડો. રમેશ મકવાણા (મો.૯૮ર૪૧ પપ૯૦૩) ઉપર સમગ્ર શિક્ષણ જગત દ્વારા અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(9:42 am IST)