Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીઓ વધવાના એંધાણ !! મોરબી પાટીદાર સમાજ દ્વારા રોષપૂર્ણ મહારેલી : કલેકટરે કડક કાર્યવાહીની ખાતરી આપી

સમાજના મુખ્ય આગેવાનો, સિરામિક અગ્રણીઓ અને ભાજપ, કોંગ્રેસ તેમજ આપના પાટીદાર આગેવાનો એક સાથે રેલીમાં જોડાઈ કાજલ હિન્દુસ્તાની સામે આક્રોશ વ્યકત કર્યો એસપી સાથે ચર્ચા કર્યા બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ અંગે નિર્ણય લેવાશે : કલેકટર

પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી તા ૩૦
મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓને સુરતમાં જાહેર કાર્યક્રમમાં બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલી વધે તેવા નિર્દેશો મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ આપી જિલ્લા પોલીસ વડા સાથે પરામર્શ બાદ ફરિયાદ નોંધવા નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું. આજે મોરબીમાં પાટીદાર સમાજની મહારેલી બાદ જિલ્લા કલેકટરે એફઆરઆઈ મામલે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
 
સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં જાહેરમાં મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર બફાટ કરવાની સાથે સાથે ઉદ્યોગપતિઓ કમાવવામાં અને તેમની ધર્મપત્ની રિલ બનાવવામાં વ્યસ્ત હોવાનો બફાટ કરતા આ મામલે મોરબી જિલ્લામાં મોરબી, માળીયા અને બાદમાં હળવદમા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપ્યા બાદ પણ ફરિયાદ દાખલ ન થતા આજે શનિવારે મોરબી જિલ્લાના તમામ પાટીદાર આગાવેનોએ રાજકીય રાગદ્વેષ ભૂલી એક બની મહારેલી યોજી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીને આવેદનપત્ર પાઠવી લેખિત ફરિયાદ કરવા માંગ ઉઠાવી હતી.
 
બીજી તરફ પાટીદાર સમાજે વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવતા જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ તમામ પાટીદાર આગેવાનોને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા મામલે આશ્વાસન આપી પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડા સાથે પરામર્શ બાદ ફરિયાદ નોંધવા અંગે નિર્ણય લેવામાં આવશે તેવું જાહેર કર્યું હતું
 
મોરબી ખાતે યોજાયેલ પાટીદાર સમાજની આજની આ મહારેલીમાં કોંગ્રેસ અગ્રણી મનોજ પનારા, ભાજપ અગ્રણી જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયા, પાટીદાર સમાજના અગ્રણી બેચરભાઈ હોથી, એ.કે. પટેલ, ટી.ડી. પટેલ, મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા, શિક્ષણ સંસ્થાના અગ્રણીઓ, આગેવાનો મનોજ પનારા, બેચરભાઈ હોથી, એ.કે. પટેલ, ટી.ડી. પટેલ, સીરામીક એસોસિયેશન ના પ્રમુખો મુકેશભાઈ કુંડારિયા, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા, યુવા ભાજપ અગ્રણી સાગર સદાતીયા સહિતના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પણ રેલીમાં જોડાયા હતા. રેલીમાં સ્વયંભૂ રીતે હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાઈને કાજલ હિન્દુસ્તાનીનાં વિવાદિત નિવેદન અંગે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.

 

(2:03 pm IST)